હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા અને માતા-બાળકને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે માતા અને બાળકોની આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવે છે. માતા અને બાળ આરોગ્યની સેવાઓ દરમ્યાન સગર્ભાવસ્થાથી લઈને ૪૨ દિવસની અંદર પ્રસુતાના કારણોસર માતા મરણ અને નવજાત શિશુથી લઈને ૧ વર્ષ સુધી કોઈપણ કારણસર બાળ મરણ થતા હોય છે. જે અન્વયે જિલ્લામાં માતા અને બાળ મરણ થવાના ચોક્કસ કારણો વિશે વિસ્તૃત જાણકારી મેળવી કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, એકપણ સગર્ભામાતાનું કે બળકનું મરણ ના થાય અને સગર્ભા માતાઓને બચાવવાનાં તમામ પ્રયત્નો કરવામાં આવે તે રીતે કામ થાય તે જરૂરી છે. તેમણે આ તકે માતા મરણ અને બાળ મરણ અટકાવવા ભારપૂર્વક જણાવી આ બાબતની ચિંતા કરી ઉપસ્થિત સર્વેને માતા-બાળ મૃત્યુદર ઘટે તે માટે કાર્ય કરવા જણાવ્યું હતું.
તેમણે જિલ્લામાં સગર્ભામાતાઓ અને બાળકોને મળતી સેવાઓ વધુ સુદ્રઢ બને તેવું આયોજન કરવા પણ જણાવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ પટેલે માતા મરણ અટકાવવા માટે સગભર્ભાબેનની વહેલી નોંધણી થાય, નિયમિત તપાસ અને સારવાર થાય, પોષણયુક્ત આહાર લેવામાં આવે, યોગ્ય સમયે રસીકરણ થાય, ફોલિક એસિડ, આર્યન, કેલ્શિયમની ગોળી નિયમિત લેવામાં આવે, સંસ્થાકીય સુવાવડ કરાવવામાં આવે, જોખમી પરિસ્થિતિમાં સમયમર્યાદામાં સગર્ભામાતાઓને રીફર કરવામાં આવે, સુવાવડ પછી ૪૨ દિવસ સુધી તેમનું ફોલોઅપ થાય સહિતની બાબતો ખાસ જોવા જણાવ્યુ હતુ.
આ સમીક્ષા બેઠકમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયક, જિલ્લા આર.સી.એચ અધિકારી, સ્ત્રીરોગ નિષ્ણાંત સા.આ.કેન્દ્ર ખંભાત અને સોજીત્રા, કરમસદ મેડીકલ કોલેજના HOD ગાયનેકોલોજિસ્ટ, ડીસ્ટ્રીક હોસ્પિટલ આણંદ અને પેટલાદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીઓ, તેમજ માતા મરણ અને બાળ મરણ થયેલ પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફીસર્થીઓ, ફીમેલ હેલ્થ વર્કર, આશા બેન અને મરણ થયેલ લાભાર્થીઓના સગા-સબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.