જામનગરના મહિલાએ પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો 

હિન્દ ન્યુઝ, જામનગર

     ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. ગુજરાત માંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ મેળામાં પહોચ્યા છે. ત્યારે જામનગરમાં રહેતા નિધિબેન દવે અને તેમના પતિએ કુંભ મેળામાં પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી અનોખું સેવાકીય કાર્ય કર્યું છે. તેઓએ મહાકુંભમાં ૧૫૦૦ જેટલા જ્યુટ બેગ્સનું સાધુ સંતોને વિતરણ કર્યું હતું. જ્યુટ એટલે કે શણ માંથી બનાવેલી વસ્તુઓ જે ટકાઉ હોય છે અને સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે. 

જામનગરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી બે દિવસીય મીલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. તે પૈકી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે નિધિબેન દવેને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. 

તેઓ જણાવે છે કે, હું જામનગરમાં ૭ વર્ષથી જ્યુટ માંથી વિવિધ વેરાયટીઓના બેગ્સ તેમજ માટીની વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરું છુ. મેં મારા પતિ અને પરિવાર સાથે જામનગરથી પ્રયાગરાજ મહાકુંભમાં પહોચી પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવાના હેતુથી ૧૫૦૦ જેટલા જ્યુટ બેગ બનાવ્યા હતા. અને ત્યાં સાધુ સંતોને તેનું વિતરણ કર્યું હતું. જેથી કરીને તેઓ આ ઇકો ફ્રેન્ડલી બેગમાં પોતાની વસ્તુઓ રાખી શકે અને લાંબાગાળા સુધી એક કરતા વધુ વખત તેનો ઉપયોગ કરી શકે. ઉલ્લેખનીય છે કે ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી અને પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

Related posts

Leave a Comment