આમળા ફક્ત વરસાદ આધારિત વૃક્ષ હોવાથી આમળાના ઝાડને આચ્છાદન કરવું અત્યંત આવશ્યક

હિન્દ ન્યુઝ, ભુજ

      આમળાને સંસ્કૃતમાં આમલકી, ધાત્રી, અમૃતા, બહફૂલા, સાધુફૂલા, પંચરસા, દિવ્યા વગેરે વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. આમળા વિટામીન સી નો ભરપૂર ભંડાર છે. આમળા પિતહારક, આંખની બીમારી, વાળની બીમારી, ચર્મરોગ, અપચો, શરીરનું તાપમાન, મધુપ્રમેહ જેવા અનેક રોગોની દિવ્ય ઔષધી છે.પહાડના ઢોળાવવાળા વિસ્તાર તેમજ ઉષ્ણકટીબંધીય જંગલોમાં આમળાનો ખૂબ જ સારી રીતે વિકાસ થાય છે. નબળી અને મધ્યમ ગુણવત્તાવાળી જમીનમાં તથા ક્ષારીય જમીનમાં પણ આમળાની ખેતી ખૂબ સારી રીતે થઈ શકે છે. આમળા ઝાડ ફક્ત વરસાદ પર જ આધારિત છે અને શરદઋતુ એટલે કે, ડિસેમ્બર-જાન્યુઆરીમાં આમળાના ઝાડના પાન ખરી જાય છે અને વસંતઋતુ એટલે કે ફેબ્રુઆરી-માર્ચમાં નવા પાન અને ફળના મોર આવે છે. મોર આવ્યા પછી દસ પંદર દિવસમાં ફળ ધારણ થવાની ક્રિયા શરૂ થાય છે. પરંતુ, ફળ બન્યા પછી આમળાનું ઝાડ સો દિવસ માટે સુષુપ્ત અવસ્થામાં જાય છે. ચોમાસાની શરૂઆત થવાની સાથે જ એમના ફળ મોટા થવા લાગે છે અને જયારે ચોમાસું પૂરું થાય ત્યારે એટલે કે, ઓક્ટોમ્બર-નવેમ્બરમાં ફળ પરિપક્વ થઈ ઉતારવા માટે તૈયાર થઇ જાય છે. આમળાના ઝાડમાં એ ખાસિયત જોવા મળે છે કે, આ અતિદુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ સુકાતા કે મરતા નથી તથા વરસાદ આવતા જ ફરીથી જીવિત થઈ જાય છે. આમળાના ઝાડ દેશી આંબા અથવા આંબલીની સાથે આંતર ખેતીના રૂપે વાવવાના હોય છે.

     આમળા ઉનાળા અને શિયાળા બન્ને ઋતુને સહન કરી શકે છે. પરંતુ, નાના રોપને તડકો અને ઠંડીથી બચાવવું જરૂરી છે જેથી આમળાના રોપ વાવ્યા પછી તેનાથી બે ફૂટ દુરની ગોળાઈમાં તુવેર અને બાજરીનું વાવેતર કરવું.

આમળાની જાતો:

• બનારસી, ચકૈયા, કંચન (નરેન્દ્ર, આમળા-૪) કૃષ્ણા (નરેન્દ્ર આમળા- ૫), નરેન્દ્ર આમળા-૬, નરેન્દ્ર આમળા-૭, આણંદ-૧, આણંદ-૨ જેવી આમળાની વિવિધ જાતો છે.

 સંવર્ધન:

        આમળાનું વાવેતર બીજ, ભેટ કલમ તેમજ નૂતન કલમથી કરી શકાય છે. ઉત્તર ભારતમાં ઢાલ પદ્ધતિથી આંખ કલમ તૈયાર કરવામાં આવે છે અને પછી આ કલમ નિશ્ચિત જગ્યા પર વાવવામાં આવે છે. આ પદ્ધતિમાં ૭૦થી ૮૦% જેવી સફળતા મળે છે. બીજ માટે દેશી આમળાના ઝાડ પર પાકેલ આમળા સંગ્રહિત કરવા અને ઉપરનો ભાગ હટાવીને ગોટલી/ઠળિયાને સુકવવા, દરેક ગોટલી/ ઠળિયામાં સામાન્ય રીતે ૬ બીજ હોય છે. જેને તડકામાં સુકવવાથી આપો આપ અલગ થઇ જાય છે અને બીજ બહાર આવી જાય છે. આ બીજને ચાળણી પર ઘસીને સાફ કરવું અને કાપડની થેલીમાં રાખવા. આ બીજને અઠવાડીયે એકવાર તડકામાં સુકાવતા રહેવું જોઈએ.

        ૨૪ ફૂટ x ૨૪ ફૂટના ગાળા પર આમળા વાવવા. દરેક ચાર આમળા વચ્ચે સીતાફળ, પપૈયા અથવા મીઠા લીંબડાનો એક રોપ વાવવો. દરેક બે આમળા વચ્ચે અને દરેક આમળા અને સીતાફળ, પપૈયા અને મીઠો લીંબડો વગેરેમાંથી કોઇપણ એકની વચ્ચે સરગવા માટે (૧.૫ ફૂટ x ૧.૫ ફૂટ x ૧.૫ ફૂટ)ના ખાડા ખોદવા. આ માટીના ચાર ભાગ, કોહવાયેલું છાણીયું ખાતર બે ભાગ, ઘન જીવામૃત એક ભાગ મિક્સ કરી રાખવું સાથે સીતાફળ, પપૈયા, મીઠો લીંબડો, સરગવો અને એરંડાના બીજ પણ તૈયાર કરી રાખવા. બીજ સાથે બીજામૃત અને જીવામૃત પણ તૈયાર કરીને રાખવું.

       નર્સરીમાં રોપ તૈયાર કરવાના બદલે જે જગ્યા પર આંબળાનું ઝાડ વાવવાનું હોય એ જગ્યા પર સીધા બીજ વાવવા અને પછી બીજ ઉગી નીકળતા મુલકાંડ પર કલમ બાંધવી. એ ખૂબ જ સરળ રીત છે અને તેના ફાયદા પણ વધારે છે. આ પદ્ધતિથી મુખ્ય મૂળ અને દ્વિતીય મૂળ જમીનના અંદર ખૂબ ઉંડા જળસ્ત્રાવ સુધી પહોંચે છે. જેથી દુષ્કાળમાં પણ પિયત વગર ઉત્પાદન મળી શકે છે. પાણીની શોધમાં ખૂબ જ ઉડે સુધી ગયેલ મૂળને એક મજબૂત આધાર મળે છે. જેથી વાવાઝોડામાં પણ આમળાનું ઝાડ પડી જતું નથી.

       કલમ માટે મૂલકાંડ ઓછામાં ઓછા એક વર્ષના હોવા જોઈએ. વધારે ફળવાળા અને નીરોગી વૃક્ષની પસંદગી કરવી, આ પસંદગી પામેલા જાતોની સાથે ૫% થી ૧૦% દેશી આમળાનું વાવેતર કરવું જોઈએ. આ દેશી આમળાના ઝાડ પર કલમ ન કરવી, જે ડાળી પરથી આંખ કલમ કરવા માટેની આંખ લેવાની હોય, તે ઓછામાં ઓછા ૬ મહિના પહેલાની હોવી જોઈએ. આ ડાળી લઈને આંખ ચારેય બાજુ ૨.૫ સેમી. લાંબુ અને ૧.૦ સેમી પહોળાઈનો ચતુષ્કોણ ધારદાર ચપ્પુથી આ આંખો ડાળી પરથી કાઢી લેવી.

       મૂલકાંડ પર જમીનના સ્તરેથી એક ફૂટ ઊંચાઈએ ચતુષ્કોણ આકારનો છેદ કરી, જેટલો આકાર આંખનો છે એટલા જ આકારની છાલ કાઢવાની અને આ આંખ યોગ્ય રીતે ચઢાવવી. બાદમાં તેને પ્લાસ્ટીકની કોથળીથી બાંધી દેવી, જો આ આંખ ૨૦-૨૫ દિવસમાં લીલી થઇ જાય તો, સમજો કે કલમ સફળ થઇ ગઈ, ત્યારબાદ મૂલકાંડ પર જ્યાં આંખ કલમ કરવામાં આવેલ, એ આંખ ઉપર મૂલકાંડનો આગળનો ભાગ કાપી નાખવો, જેનાથી આંખમાંથી નવું અંકુરણ ઝડપથી બહાર આવી શકે.

      કલમ ચઢાવ્યા બાદ ચોમાસામાં બગીચામાં વાવવામાં આવેલ દરેક છોડ પાસે મહિનામાં એક અથવા બે વાર જીવામૃત આપવું. ચોમાસા પછી સિંચાઈનાં પાણી સાથે એક એકર દીઠ બસોથી ચારસો લીટર જીવામૃત મહિનામાં એક કે બે વાર આપવું. જીવામૃત ફળ પાકે ત્યાં સુધી આપતા રહેવું. જો દેશી ગાય અથવા બળદનું છાણ તમારી પાસે વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો, ઘન જીવામૃત બનાવી છોડની પાસે આપતા રહેવું, જેનાથી વિશેષ લાભ મેળવી શકાય.

        કલમ અને બીજનું વાવેતર કર્યા બાદ ૨ મહિના સુધી એક એકર દીઠ ૧૦૦ લીટર પાણીમાં પ લીટર જીવામૃત ભેળવી છંટકાવ કરવો. ત્યારબાદ ફરીથી બે મહિના સુધી એક એકરદીઠ ૧૫૦ લીટર પાણીમાં ૧૦ લીટર જીવામૃત મેળવી છંટકાવ કરવો. ત્યારબાદ ફળ આવે ત્યાં સુધી સતત એક એકર દીઠ ૨૦૦ લીટર પાણીમાં ૨૦ લીટર જીવામૃત ભેળવી છંટકાવ કરતા રહેવો. આમળા અસિંચિત એટલે કે સિંચાઈ વગરના ફક્ત વરસાદ આધારિત વૃક્ષ છે. આથી આમળાના ઝાડને આચ્છાદન કરવું અત્યંત આવશ્યક છે. સરગવો, ચોળી વગેરે જેવા પાકો પણ આચ્છાદનમાં ઉપયોગી થશે. સાથે-સાથે આવા આચ્છાદનની વચ્ચે કાકડી, કારેલા, દુધી, તરબૂચ વગેરેના બીજનું પણ વાવેતર કરવું જોઈએ. નીચે સુકા પાદડાનું આચ્છાદાન અને ઉપર સજીવ આચ્છાદનની સાથે જીવામૃત ભેળવીને અસંખ્ય જીવાણું અને અળસિયા પેદા કરી શકાય છે. આ બધું મળીને આમળા તેમજ આંતર પાકોના મૂળની આસપાસ પર્યાપ્ત મૂળ પાસે જરૂરી તત્વોનું સંગ્રહ કરશે. આંબળા અને આંતરપાકોમાં ૬-૬ ફૂટના અંતરે આવેલ દરેક બે લાઈનોની વચ્ચે ત્રણ ફૂટ પહોળી અને દોઢ ફૂટ ઉંડી નીકમાં સુકા પાદડાંનુ આચ્છાદન જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ હોય, તેટલું તેમાં નાખી દો. આચ્છાદનને કારણે વરસાદના પાણીનું બાષ્પીભવન નહિ થાય અને વરસાદનું પાણી જમીનમાં સંગ્રહિત થઇ મૂળને હમેશ માટે મળતું રહેશે.

       આંબળાના વૃક્ષ પર વધારે માત્રામાં ફળ લાગવાને કારણે તેની ડાળીઓ તૂટી જાય છે. આથી આ ડાળીઓને મજબૂત કરવા આમળાના ઝાડને વિશિષ્ટ આકાર આપવો આવશ્યક છે. જમીનની ઊંચાઈએથી ૭૫ સેમી ઊંચાઈ સુધી એક જ થડ રાખો. ત્યારબાદ ત્રણ-ચાર મજબુત ચારે તરફ ફેલાઈ તેવી ડાળીઓ રાખો.

      આંબળાના ઝાડ પર જીવાત કે બીમારીઓ આવતી જ નથી. પરંતુ, જો આવે તો નિમાશસ્ત્ર, બ્રહ્માશાસ્ત્ર, અગ્ન્યસ્ત્ર, સુંઠાસ્ત્ર અથવા ખાટી છાશનો છંટકાવ કરવો.

Related posts

Leave a Comment