હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના ખેડૂતોના કલ્યાણ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રસાર માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ અને મિલેટ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન બાઈસેગના માધ્યમથી રાજ્યકક્ષાના કૃષિ નિષ્ણાતો દ્વારા જીવંત પ્રસારણ દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જેમાં રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને ન્યૂનતમ ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના વિવિધ આયામો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સંવાદમાં ખેડૂતોએ પોતાની મુંઝવણો રજૂ કરી નિષ્ણાતો પાસેથી સ્થળ પર જ ઉકેલ મેળવ્યો હતો.
આ આયોજનની સાથે જ ખેડૂતોમાં પોષણક્ષમ આહાર અને પરંપરાગત પાકો પ્રત્યે જાગૃતિ લાવવા માટે ‘મિલેટ મહોત્સવ’નું પણ વિશેષ આયોજન કરાયું હતું, જેમાં બાજરી, જુવાર, રાગી જેવા જાડા ધાન્યોના મહત્વનું પ્રદર્શન યોજાયું હતું.
ઉપસ્થિત મહાનુભાવો અને કૃષિ વૈજ્ઞાનિકોએ મિલેટ્સના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અને પર્યાવરણની જાળવણીમાં તેના યોગદાન વિશે સમજૂતી આપી હતી. કાર્યક્રમ સ્થળે પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં ખેડૂતોની શુદ્ધ પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક પ્રાકૃતિક ખેતી અપનાવવાના શપથ લીધા હતા. કેન્દ્રના વડા દ્વારા આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ખેતી પદ્ધતિઓના સમન્વય પર ભાર મૂકીને સમગ્ર કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.
