મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અંગેનું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, આણંદ

    લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ તા.૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં જ આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન થાય તથા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો બહોળો ઉપયોગ થનાર છે તેના પર નિયંત્રણ મૂકવા માટે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે.

        આ જાહેરનામાં જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે ચક્રિય/ત્રણ ચક્રિય/ચાર ચક્રિય વાહનોનો ઉપયોગ કરી શકાશે.

        વધુમાં જાહેર રસ્તાઓ ઉપર દસથી વધુ વાહનોના કાફલામાં સાથે જઈ શકાશે નહીં અને આવો કાફલો જો કોઈ કિસ્સામાં દસથી વધુ વાહનોનો હોય તો તેને દસ વાહનોથી વધુ ન થાય તે રીતે ભાગ પાડી અલગ કરવાનો રહેશે અને ભાગ પાડેલા બે કાફલા વચ્ચે પણ ઓછામાં ઓછુ ૨૦૦ મીટરનું અંતર રાખવાનું રહેશે.

        ઉક્ત પ્રતિબંધ જે રાજકીય નેતાઓને લોક પ્રતિનિધિત્વ ધારા -૧૯૫૧ની કલમ-૭૭(૧) હેઠળ મુક્તિ મળેલ હોય તેઓને લાગુ પડશે નહીં.

        આ જાહેરનામું તા. ૧૩/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.

Related posts

Leave a Comment