હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના તા.16/03/2024 ના ઠરાવ અન્વયે સામર્થ્ય સંસ્થાન પ્રકલ્પ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના તાબા હેઠળની 14 સરકારી યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થા/ કોલેજોમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન એજ્યુકેશન, કાયદા તથા અન્ય વિદ્યા શાખામાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) ની રચના કરવામાં આવી છે.
જે અન્વયે આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 થી ફરજિયાત GCAS પોર્ટલ મારફતે જ રેગ્યુલર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવીને પોર્ટલ પર કરવાની થતી કામગીરીના તબક્કા મુજબ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત બોર્ડ (GSHSEB) ધોરણ-12 ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ગત તારીખ 01/04/2024 થી પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેથી હાલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ વિધાર્થીઓએ પ્રવેશ માટે GCAS પોર્ટલ પર અત્રે જણાવેલ લીંકમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ તેમાં બેઝીક માહિતી (Profile) સાથે પોતાને જે તે કોલેજમાં પસંદગીના કોર્ષમાં અભ્યાસ કરવો હોય, તો તે પસંદગી પૂર્ણ કરીને વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
https://gcas.gujgov.edu.in આ વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિધાર્થીઓની જાણ માટે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના તા. ૧૬/૦૩/૨૦૨૪ ના ઠરાવો, ઉકત કોલેજની વેબસાઈટ www.dkvjamnagar.edu.in પર મૂકવામાં આવ્યા છે. તેમ આચાર્ય, ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.