દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેકટર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

   મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે.

જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં દેશના એક માત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના સંકલ્પને સાર્થક કરવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ… ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ થી ૮૦ કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી ૨૫ કિલોમીટર દૂર અને દૂર્ગમ અને અડાબીડ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેને સંલગ્ન વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ આજે સવારે મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે ૧૫ જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉબડ-ખાબડ રસ્તાઓ વળોટીને ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે ૧ પ્રિસાઈડિંગ ઓફિસર, ૨ પોલિંગ એજન્ટ, ૧ પટાવાળા, ૨ પોલીસ તેમજ ૧ સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી ૧૫થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરતાં જણાવ્યું હતું કે, ‘લોકશાહીમાં એક-એક મત કિંમતી છે. દૂર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર, મતદાન કરવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર ભગીરથ પ્રયત્નો કરે છે. દેશમાં માત્ર મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે. જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે. જંગલ વિસ્તારના આવા દૂર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણીતંત્ર સંનિષ્ઠ પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ.’

કલેકટરએ મહંતને ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી અને બાણેજ મતદાન મથક ખાતે ‘એક વોટ, સો ટકા મતદાન’ની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૪૨ જેટલા જ મતદારો ધરાવતા સાપના નેશ તથા આફ્રિકન મૂળ ધરાવતા તાલાલાના જાંબુર સહિતના ક્ષેત્રોમાં પણ વધુમાં વધુ મતદાન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેથી દરેક મતદાર તેના માતાધિકારનો ઉપયોગ કરી શકે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની આ મુલાકાત વેળાએ ગીર ગઢડાના મામલતદાર ગૌતમભાઈ વાળા, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment