જામનગર-રાજકોટ બાયપાસથી કનસુમરા ગામને જોડતાં સી.સી.રોડનું લોકાર્પણ કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર

      રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા રૂ.4 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1.4 કી. મી.ની લંબાઈના સી.સી.રોડનું કનસુમરા ખાતે લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરીબોની ગરીબી દૂર થાય, મહિલાઓ સશક્ત બને, યુવાનો આત્મનિર્ભર બને અને ખેડૂતો સુખી થાય તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે કેન્દ્ર તથા રાજ્ય સરકાર કામ કરી રહી છે.ગ્રામીણ વિસ્તારોના પાણી, વિજળી, રસ્તા સહિતના પ્રશ્નોનો સરકાર એક બાદ એક ઉકેલ લાવી રહી છે. સરકારી યોજનાઓનો લાભ લઈ ગામડાં વિકસિત થવાની સાથે સાથે દેશના વિકાસમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.રૂ.4 કરોડના ખર્ચે બનેલ આ માર્ગ થકી કનસુમરા સહિત આસપાસના ગામો તથા અહીંના ઉદ્યોગોનો પણ ભરપૂર વિકાસ થશે. રાજ્ય સરકારે જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે માતબર રકમની ફાળવણી કરી છે જેના થકી શહેરની આસપાસના ગામોમાં પણ શહેર જેવી જ સુવિધાઓ નજીકના ભવિષ્યમાં આકાર લેશે તે બાબત નિશ્ચિત છે.

ઉલ્લેખનીય છે કે જામનગર-રાજકોટ બાયપાસ પર આવેલ કનસુમરા ગામના પાટીયાથી શરૂ કરી કનસુમરા ગામ સુધી 1.4 કી.મી.ના લંબાઈના આ રસ્તા પર સ્કૂલો, રહેણાંકના મકાનો તેમજ ફેકટરીઓ આવેલ હોવાથી ટ્રાફીકની અવર-જવર ખૂબ જ રહે છે.આ રસ્તાની બન્ને બાજુ કેનાલ આવેલ હોઈ ચોમાસાના દરમ્યાન રસ્તાની સપાટીને ઘણું નુકશાન થવા પામતું જેથી આ રસ્તાનું મજબુતીકરણ કરવા માટેની ગ્રામજનોની માંગણી ધ્યાને લઈ મંત્રી રાઘવજીભાઈ પટેલના પ્રયાસો તથા જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળના માધ્યમથી અંદાજે રૂ.4 કરોડના ખર્ચે ટુ લેન સીમેન્ટ કોન્ક્રેટ રોડનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. આ રસ્તા પર હયાત પાઈપના નાળા તેમજ નાના પુલને પહોળા કરવા, જરૂરી જગ્યાએ નવા પાઈપના નાળાનું બાંધકામ, બન્ને તરફથી ટ્રાફીકનાં પ્રોટેકશન માટે ક્રેશ બેરીયરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરચર, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જાડાના કારોબારી અધિકારી જિજ્ઞાશાબેન ગઢવી, શહેર પ્રાંત અધિકારી પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ઉદ્યોગપતિ મણિકભાઈ શાહ, આગેવાન સર્વ દિલીપભાઈ ભોજાણી, મુકુંદભાઈ સભાયા, કાસમભાઈ ખફી, કુમારપાલસિંહ રાણા તથા કનસુમરા, નાઘેડી, ચાપાબેરાજા, મસિતિયા, લખાબાવળ સહિતના ગામોના સરપંચ ઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Related posts

Leave a Comment