હિન્દ ન્યુઝ, ભાવનગર
ટેકનોલોજીને કાર્યક્ષમતા સાથે જોડીને ભાવનગરના વહીવટી તંત્રએ ભારત અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા કમર કસી છે. ‘આભા’ એટલે કે ‘આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ’ની કામગીરી આ બાબતનું તાજેતરનું ઉદાહરણ છે. ભાવનગરના આરોગ્યતંત્રએ આભા પ્રોજેક્ટમાં રાજ્યમાં અગ્રેસર કામગીરી કરી છે. ‘આભા’ યોજના ભારત સરકારની હેલ્થ સેવાને ગુણવતાસભર અને સરળ કરવા માટે ફિઝિકલ ડોક્યુમેન્ટેશનમાંથી દર્દીને મુક્ત કરી
દર્દીની હિસ્ટ્રીને ઓનલાઈન કરે છે. આ યોજનામાં ભાવનગર જિલ્લો મિશન મોડમાં કામ કરી રહ્યો છે. લાભાર્થીઓનું ડીઝીટલ લોકર જેવું જ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે જે ડીઝીટલ ઇન્ડીયા અને ડીઝીટલ ગુજરાતના આયામોની જેમ જ આરોગ્ય સેવાને સરળ કરે છે. ઈન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કોકીલાબેન સોલંકીએ જણાવ્યું હતું કે ‘આભા’ કાર્ડ કઢાવવું ખૂબ જ સરળ છે જેના માટે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સની માત્ર જરૂર રહે છે. આભા કાર્ડની એપ/વેબસાઇટ અથવા ક્યુ. આર. કોડ સ્કેન કરીને કરીને એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં લાભાર્થી જાતે આભા કાર્ડ કાઢી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કામગીરી માટે હાલ ભાવનગર જિલ્લામાં ૨૦૦૦ થી વધુ કર્મયોગીઓ કરી રહયા છે. જિલ્લામાં ૪૮ પ્રાથમિક હેલ્થ સેન્ટર, ૦૬ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૩ સી.એચ.સી., ૨ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૧ સર તખ્તસિંહજી હોસ્પિટલ ઉપરાંત કોર્પોરેશનના ૦૬ અર્બન હેલ્થ સેન્ટર હેઠળ આ કામગીરી કાર્યરત છે. ભાવનગર જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારી ડો. મનસ્વિની માલવીયા એ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧.૩૬ લાખ જેટલા ‘આભા’ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવેલ છે. હવે તેનાથી આગળ વધીને લાભાર્થીઓ જયારે આરોગ્ય સેવા મેળવે ત્યારે તબીબોને તેના વિશે બધી જ સારવાર અંગેની માહિતી મળી રહે તે માટે અને ફીઝીકલ ડોકયુમેન્ટ કેસ કાગળો લાવવા ન પડે તે માટે સરકારની માર્ગદર્શીકા પ્રમાણે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ચાલુ વર્ષે ૩.૬૦ લાખ ‘આભા’ કાર્ડ ઇસ્યૂ કરવાનું લક્ષ્યાંક છે જેની સામે ૧.૩૬ લાખ કાર્ડ અત્યાર સુધીમાં ઇસ્યૂ થયા છે. તેમ આ પ્રોજેક્ટ પર કાર્યરત ડો. ધવલ દવેએ જણાવ્યું હતું. આ યોજનાથી દર્દીને સરકારી દવાખાનામાં અથવા તો વીમાના પેકેજ હેઠળની હોસ્પિટલોમાં ભવિષ્યમાં તેમના જૂના કેસ પેપરની હાર્ડ કોપી ફાઈલોની જરૂર નહિ પડે. એટલું જ નહિ દર્દીને અગાઉ કોઈ સારવાર આપવામાં આવી છે કે કેમ તેની માહિતી સારવાર કરનાર તબીબને ૧૪ અંકનો આઇ. ડી. નંબર નાખવાથી મળી શકશે.
‘આભા’ કાર્ડથી લાભાર્થી પોતાના ડોકયુમેંટ ફિજિકલ થી ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરી શકે છે જેથી કોઈ પણ હોસ્પિટલની મુલાકાત સમયે લાભાર્થીની હેલ્થ હિસ્ટ્રી સરળતાથી જોઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્યની ખેવના અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રશાસન બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્રને સાર્થક કરવા કટિબદ્ધ છે.