લાવડીયા-મકવાણા- ઢંઢા રોડ પર રૂ. 3.25 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કરતાં કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર

રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના લાવડીયા-મકવાણા-ઢંઢા રોડ પર રૂ. 3.25 કરોડથી વધુને ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ વિકાસની રાહ પર આગળ વધી રહ્યો છે. હજુ થોડા સમય પહેલાં આ બ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે આ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.જે સરકારની ગ્રામજનોની સુવિધામાં ઊમેરો કરવા અંગેની કટિબદ્ધતા દર્શાવે છે.ગ્રામજનોના મોટાભાગના પ્રશ્નોનું સરકાર નિરાકરણ લાવી રહી છે.મકવાણાથી લાવડીયા સુધીના માર્ગને પણ સરકાર દ્વારા મંજૂરી અપાઈ છે જે કામ પણ આગામી ટૂંક સમયમાં પૂર્ણ થશે.ખૂબ લાંબા સમયથી આ બ્રીજ નિર્માણ અંગેની ગ્રામજનોની માંગણી હતી જે સરકારે પૂર્ણ કરી છે.

આ પ્રસંગે લાવડીયા, મકવાણા તથા ઢંઢાના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાઘવજીભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેઓની વર્ષો જૂની માંગણી તથા સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકાના લાવડીયા, મકવાણા, ઢંઢા રોડ પર 12 મીટરના 6 ગાળા ધરાવતા આ મેજર બ્રીજને સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.325.83 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. આ નવા બનેલ મેજર બ્રિજનો લાવડીયા, મકવાણા, ઢંઢા તથા આજુબાજુના ગામોને આવાગમન તથા ખેતી માટે પુરતા પ્રમાણમાં લાભ મળી રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, તાલુકા પંચાયત સભ્ય કેશુભાઈ, સરપંચ મહેશભાઈ તથા કાર્તિકભાઈ અકબરી, આગેવાન સર્વ મુકુંદભાઈ સભાયા, ગિરિરાજસિંહ જાડેજા, ચંદુભાઈ કેર, દિલીપસિંહ જાડેજા, ઇ.કાર્યપલાક ઈજનેર છૈયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment