જામનગરમાં જિલ્લા કક્ષાની સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં આઈસ ફેક્ટરી અને ફૂડ ઝોનનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવું, ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી અને મેલેરિયા રોગ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ અને અન્ય જરૂરી મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ સમિતિના સદસ્યો સાથે વિસ્તૃતપણે ચર્ચા-વિચારણા કર્યા બાદ જણાવ્યું હતું કે, આઈસ ફેક્ટરી, રેસ્ટોરન્ટ, હોટેલ્સ, ફૂડ ઝોન અને લારી-ગલ્લા પર નિયમિતપણે ચેકીંગ હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળો અને ફૂડ ઝોન પર સ્વચ્છતાના ભંગ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે.

આ ઉપરાંત, તાલુકા વિસ્તારો અને નગરપાલિકામાં કલોરીનેશન અને રી-કલોરીનેશનની પ્રક્રિયા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ નોડલ ઓફિસરની નિમણુંક કરવી, અલગ-અલગ સ્થળોએથી પાણીના નમૂના એકત્ર કરવા, પાણીના નમૂનાની તપાસણી કરવી, પાણીની પાઈપલાઈનનું ચેકીંગ, હોટેલ્સ, ફૂડ ઝોનની સંખ્યાનું મોનીટરીંગ કરવું, ક્લોરીન પાવડર, ડી.સી.એલ. પાવડરનું વિતરણ, મેલેરિયા રોગ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ તેમજ અન્ય મુદ્દાઓની આ બેઠકમાં વિસ્તૃતપણે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસરઓ, જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીગણ અને સમિતિના અન્ય સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

Related posts

Leave a Comment