કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શંભુનગર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

    ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જામનગર જિલ્લાના શંભુનગર ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ વિતરિત કરાયાં હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના તમામ ગામો તથા શહેરોમાં વિકસિત ભારત યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અપાઈ રહ્યા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા સરકાર દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ, વીજળી, પાણી, આરોગ્ય, રોજગારી, સિંચાઈ સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. ભારત વિશ્વગુરુ બને અને માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજે તે માટે સરકાર કટિબદ્ધ છે.ગેરેન્ટી વાળી ગાડી ગામે ગામ મોકલી સરકાર નાગરિકોની ચિંતા કરી રહી છે. મંત્રીએ આ તકે સૌ ગ્રામજનોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા તેમજ અન્યોને પણ આ લાભો અપાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047 ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે આગેવાન રમેશભાઈ મુંગરાએ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ઉપસ્થિત સૌ ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી.

આ તકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું પ્રસારણ સૌએ નિહાળ્યું હતું તેમજ વિડિયો સંદેશ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષમાન કાર્ડ, પ્રાકૃતિક ખેતીના લાભ, પૂર્ણાં યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, અન્નપૂર્ણા યોજનાના મંજૂરી પત્ર સહિત ૧૭ જેટલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા લાભ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સ્વાગત ગીત, પર્યાવરણ જાણવણીનો સંદેશ આપતું નાટક તથા પ્રાકૃતિક ખેતી અંગે પ્રેરણા આપતી ‘ધરતી કહે પુકાર કે’ નામક મનમોહક કૃતિ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, ઉપપ્રમુખ કેશુભાઈ લૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદાબેન કાથડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચંપાબેન પરમાર, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, આગેવાન સર્વ રમેશભાઈ મુંગરા, કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઈ સભાયા, ભરતભાઈ બોરસદીયા, પ્રવીણભાઈ પરમાર, સહિત આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment