જામનગરના પ્રતિભાશાળી બાળ કલાકારનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે ખાસ સંદેશો

હિન્દ ન્યુઝ, જામનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા જામનગર જિલ્લાના દરેક ગામમાં પરિભ્રમણ કરી રહી છે. ત્યારે જામનગર તાલુકાના વસઈ ગામમાં બાળ કલાકાર ભાવિન રબારી પણ આ યાત્રામાં સહભાગી થયા હતા અને આ યાત્રામાં મહત્તમ ગ્રામજનો ભાગ લે તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી લાભાન્વિત બને તેવો સંદેશો રજૂ કર્યો હતો. ભાવિન રબારીએ સમગ્ર જામનગર જિલ્લાને વૈશ્વિક સ્તરે અનોખું ગૌરવ અપાવ્યું છે, અને બૉલીવુડની વિશાળ દુનિયામાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે.

જામનગર તાલુકાના વસઈ ગામમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન થયું હતું. જેમાં વસઈ ગામના રહેવાસી અને બાળ કલાકાર ભાવિન રબારીએ જણાવ્યું હતું કે, ”વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના દરેક ગામમાં જઈને લોકોને જાગૃત કરવાનું ઉમદા કામ કરી રહી છે. જે નાગરિકોની આર્થીક પરિસ્થિતિ નબળી હોય, જેઓ અવર જવર કરી શકવા માટે સક્ષમ ના હોય તેમના માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ઘણું લાભદાયક છે. નાગરિકો આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને આવી અનેકવિધ યોજનાઓના લાભ મેળવે અને મહત્તમ નાગરિકો આ પ્રકારના આયોજનથી લાભાન્વિત બને, તે એક સ્તુત્ય પગલું છે.”

ઉલ્લેખનીય છે કે, બાળ કલાકાર ભાવિન રબારીએ વર્ષ 2021 માં ”છેલ્લો શો” માં બખૂબી ભૂમિકા ભજવી હતી. જેને પગલે તેમની આ મુવી ફિલ્મ જગતના સૌથી ઉચ્ચ પુરસ્કાર માનવામાં આવતા ઓસ્કાર એવોર્ડ્સ અને એકેડમી એવોર્ડ શોઝ સુધી ચર્ચિત રહી હતી. તેમને ચાલુ વર્ષ 2023 માં 27મો સેટેલાઈટસ એવોર્ડ અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત થયો છે. જામનગરની આવી અનોખી બાળ પ્રતિભા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સંમિલિત બને છે, તે જ આ કાર્યક્રમની સફળતા અને લોકપ્રિયતા દર્શાવે છે..

 

 

 

 

Related posts

Leave a Comment