હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાની દીકરીઓ ૬૭ મી નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૪ માં ઝળકીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત ૧૪, ૧૭ અને અંડર ૧૯ ની આર્ચરી સ્પર્ધામાં જિલ્લાના ચાર રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર ૧૪ માં ૨ દીકરી રમતવીરોએ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તા. ૧૮/૧૨/૨૦૨૩ સુધી ચાલનારી ૬૭મી નેશનલ સ્કૂલ ગેમ આર્ચરી (તીરંદાજી) ૨૦૨૩-૨૪ સ્પર્ધામાં અંડર-૧૪.અંડર-૧૭, અંડર-૧૯ માં રમતવીરો પોતાની પ્રતિભાને પરિચય આપી રહ્યાં છે. આ ટુર્નામેન્ટમાં અંડર-૧૪ માં ૨ દીકરી અને ૧ દીકરો તથા અંડર-૧૯ માં ૧ દીકરો આમ જિલ્લાના કુલ ૪ રમતવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં અંડર-૧૪ માં છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામની ૨ દીકરીઓનો દબદબો જોવા મળ્યો હતો. ઉપરાંત અંડર-૧૪માં કુ.મનિષા રાઠવાએ વિવિધ ઇવેન્ટ્સમાં કુલ ૩ ગોલ્ડ મેડલ હાંસલ કરીને છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું હતું. જ્યારે કુ.મનિષા રાઠવા અને કુ.અનીશા રાઠવાએ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ રમતવીરો છોટાઉદેપુરની એસ.એફ.હાઇસ્કૂલમાં ધો.૮ માં અભ્યાસ કરે છે.
આ તકે આર્ચરી કોચ દિનેશભાઈ ડુભીલે જણાવ્યું કે, ગોધરામાં રાજયકક્ષામાં ટોપ ૮ રમતવીરોનું નડિયાદ ખાતે ૧૦ દિવસીય પ્રિ-નેશનલ કેમ્પ રાખવામાં આવ્યો હતો. શાળાકીય રાષ્ટ્રીયકક્ષાની રમતમાં ભાગ લઇ સિલ્વર મેડલ મેળવ્યો છે. આર્ચરી આદિવાસી રમતવીરો વારસામાં મળે છે તેમને યોગ્ય માર્ગદર્શન અને કોચિંગ મળતા તેઓ પોતાની પ્રતિભાથી સૌને ચોંકાવવાની ક્ષમતા રાખે છે. આ પ્રસંગે છોટાઉદેપુરના જિલ્લા રમત વિકાસ અધિકારીએ રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રંસગે જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી નડિયાદ, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી પંચમહાલ, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી પોરબંદર,જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી છોટાઉદેપુર સહીત સ્પર્ધામાં ભાગ લેનાર રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા