WWF-India સંસ્થા દ્વારા વેરાવળના દરિયાકાંઠે “પ્લાસ્ટિક મુક્ત મહાસાગર” થીમ અંતર્ગત સાફ-સફાઈ અભિયાન યોજાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      WWF-India એ દેશની અગ્રણી પર્યાવરણ સંરક્ષણ સંસ્થા છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ સંશોધનાત્મક સંરક્ષણ પ્રોજેક્ટ ઉપર કાર્યરત છે. જે હાલમાં ભારતના દરિયાઇ અને દરિયાકાંઠાના પાણીમાં દિવસેને દિવસે ઉદભવતી સૌથી મોટી સમસ્યા એવી ‘ઘોસ્ટ માછીમારી’ ના મુદ્દાને સંશોધનાત્મક પદ્ધતિથી ઉકેલવાની સાથે દરિયા અને દરિયાકાંઠાના પર્યાવરણ પર પ્લાસ્ટિકની અસરો અંગે જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહી છે.

પ્લમ-ગુડનેસ સમર્થિત આ પ્રોજેક્ટ ગુજરાત, તમિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સમુદાયની ભાગીદારી દ્વારા દરિયાઈ કચરો (Marine debris) અને ઘોસ્ટ ગિયર (ઓજારો) ને દૂર કરવાના ભાગરૂપે WWF-India દ્વારા આ સાફ-સફાઈ અભિયાનની પહેલ કરવામાં આવી હતી. જે અંતર્ગત WWF-India નાં ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ અને સિનિયર અધિકારી ધવલ જુંગી તથા ચેન્નઈના સિનિયર પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. એન. પ્રવિણકુમારના માર્ગદર્શન હેઠળ વેરાવળ ચોપાટી ખાતે યોજાયેલ આ અભિયાનમાં ફિશરીઝ કોલેજના ૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત, વેરાવળના દરિયાકાંઠેથી ૪૪૦ કિલો પ્લાસ્ટિક તેમજ ૧૨૦ કિલો ઘોસ્ટ નેટ દૂર કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, દરિયાઈ કચરાના મુખ્ય ઘટકોમાંનું એક ઘોસ્ટ ગિયર (ઓજારો) છે જેને ત્યજી દેવાયેલા, ખોવાઈ ગયેલા અથવા અન્યથા કાઢી નાખવામાં આવેલા ફિશિંગ ગિયર (ALDFG) તરીકે પણ ઓળખવામાં આવે છે. માછલી પકડવાના ગિયર જેમ કે જાળી, હુક્સ, લાઇન વગેરે, દરિયામાં છોડેલ અથવા માછીમારી દરમિયાન ખોવાય ગયેલા ગિયરને ઘોસ્ટ ગિયર તરીકે ઓળખવામાં આવે છે. દરિયામાં છોડવામાં આવેલ આ ગિયર ઘણા વર્ષો સુધી માછલી, કાચબા, ડોલ્ફિન અને વ્હેલ જેવી અનેક દરિયાઈ પ્રજાતિઓને ફસાવે છે અને દરિયાઈ પ્રદૂષણ પર પહેલેથી જ વધી રહેલા દબાણમાં વધારો કરે છે. વધુમાં, સમુદ્રનાં તળમાં મોટા જથ્થાની જાળી અથવા અન્ય ગંથાયેલ ગિયરની હિલચાલ તળિયામાં રહેલ દરિયાઇ જીવસૃષ્ટિમાં ખલેલ પહોંચાડી શકે છે.

Related posts

Leave a Comment