વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના આયોજન અંગે કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

     સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા અને યોજના અંગેની જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જામનગર જિલ્લામાં તારીખ 24 નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થશે જેના સુચારું આયોજન અંગે જિલ્લા કલેકટર બી.એ શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારત સરકારના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરીશ્રી પ્રાંકુર ગુપ્તા હાજર રહ્યા હતા તેમજ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સરકાર ની વિવિધ ૧૭ યોજનાઓના લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભો પ્રદાન કરવામાં આવશે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ બેઠકમાં વિવિધ યોજનાઓને લગત વિભાગોના અધિકારીઓએ કલેકટર તેમજ ડેપ્યુટી સેક્રેટરી ને વિગતવાર માહિતી તેમજ વિવિધ લાભાર્થીઓ અંગેની વિગતો આપી હતી. આ બેઠકમાં કલેકટરએ જામનગર જિલ્લામાં યોજાનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સુચારૂ આયોજન કરવા અંગે સૂચનો આપ્યા હતા. તેમજ ડેપ્યુટી સેક્રેટરીને કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. ત્યારબાદ ડેપ્યુટી સેક્રેટરીશ્રીએ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની પ્રશંસા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, ડેપ્યુટી ડીડીઓ વિમલ ગઢવી તેમજ વિવિધ વિભાગના અધિકારી ઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment