હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા અને આવી વિવિધ સરકારી યોજનાઓ અંગેની જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં આગામી તા.24 નવેમ્બરથી આ યાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના પશુપાલકોના લાભ માટે અને ખેડૂતોની આવક બમણી થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022થી ”પશુપાલન કિસાન ક્રેડીટ કાર્ડ યોજના” શરુ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ પશુઓના નિભાવ ખર્ચ માટે પશુપાલકોને પશુધિરાણ આપવામાં આવે છે. આ યોજના તેમજ અન્ય યોજનાઓનો લાભ પશુપાલકોને ઘર બેઠા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના ગામોમાં જિલ્લા પશુપાલન વિભાગની ટીમ મુલાકાત લેવા માટે આવશે.
જયારે પણ આપના ગામમાં પશુપાલન વિભાગની ટીમ આવે ત્યારે પાસપોર્ટ સાઈઝના 2 નંગ ફોટો, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પાનકાર્ડ, પરમીટની નકલ, બેંક પાસબુકની ઝેરોક્ષ, મકાનનું લાઈટ બીલ અથવા વેરા પહોંચ- આટલા દસ્તાવેજો ખેડૂતોએ તૈયાર રાખવાના રહેશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે, લાભાર્થીઓએ તેમની નજીકની પ્રાથમિક પશુ સારવાર સંસ્થા અથવા પશુ દવાખાનાનો સંપર્ક સાધી શકાશે. તેમ, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.