હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન અને મહાયજ્ઞનું વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે. સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં ઉતરાર્ધમાં પ્રભાસતીર્થમાં મહાવીનાયકી યજ્ઞનો ઉલ્લેખ છે જે યજ્ઞ કરવાથી શાંતિ કલ્યાણ અને ઉત્કર્ષના આશીર્વાદ સાક્ષાત શ્રી ગણેશ આપે છે. ભાદરવા માસની નવરાત્રીને ગણેશ નૌરાત્ર તરીકે ગણેશ આરાધનાનો સર્વોત્તમ અવસર માનવામાં આવે છે ત્યારે ગણેશ નૌરત્ર દરમિયાન જ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વ માટે શાંતિ, અને દેશના કલ્યાણની પ્રાર્થના સાથે ગણેશ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યભરની તમામ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મણકા અનુસાર શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ પૂર્ણ કરવામાં આવશે સાથે, તા. 26,27,28 સપ્ટેબર દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં શ્રીગણેશ મહાયજ્ઞ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. સવારે 09:00 થી 01:00 વાગ્યા સુધી તેમજ બપોરે 02:30 થી 06:00 વાગ્યા સુધી યજ્ઞ કરવામાં આવશે.
આ મહાયજ્ઞ માટે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશેષ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગોમયના લીંપણ સાથે સમગ્ર યજ્ઞશાળા દૈવીય ઊર્જાનો સંચાર કરે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. વૃક્ષોના પર્ણો સાથે યજ્ઞશાળાનું સુશોભન કરવામાં આવશે.
ત્યારે પુરાણોમાં ઉલ્લેખિત શ્રી ગણેશ આરાધનાનો મહા ઉત્સવ શ્રી સોમનાથ તીર્થમાં યોજાઇ રહેલ હોય તારીખ 26 27 અને 28 ના રોજ યજ્ઞ નારાયણના દર્શન કરવા ધર્મપ્રેમી જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ સહૃદય નિમંત્રણ પાઠવે છે.