પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે દેશભરના 508 રેલવે સ્ટેશનોનાં પુન: વિકાસ માટે શિલાન્યાસ

હિન્દ ન્યુઝ, બોટાદ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે યોજાયો હતો. આગામી સમયમાં ભાવનગર મંડળના 17 રેલ્વે સ્ટેશનો પૈકી બોટાદ રેલવે સ્ટેશનનો પણ પુન: વિકાસ થશે.

કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા સાંસદશ્રી ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, “બોટાદના આંગણે શુભ અવસર આવ્યો છે. આ સુઅવસર સમગ્ર દેશમાં આવ્યો છે. બોટાદનું રેલ્વે સ્ટેશન અપગ્રેડ થવા જઈ રહ્યું છે. આ માટે તમામ બોટાદવાસીઓને અનેક શુભેચ્છાઓ છે. ભાવનગર મંડળના બોટાદ સિવાય સિંહોર, સોનગઢ અને પાલીતાણાના રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ થશે. નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રનો આંતરારષ્ટ્રીય સ્તરનો વિકાસ થયો છે. આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું માન-સન્માન અનેક ગણું વધ્યું છે. ભાવનગર અને બોટાદ જિલ્લામાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે સરકારશ્રી કટિબદ્ધ છે. એકસાથે મોટી સંખ્યામાં રેલ્વે સ્ટેશનોનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવીનીકરણ કરવામાં આવશે. મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે. દિવ્યાંગજનોને પણ વિશેષ સવલતો મળશે, આ રેલ્વે સ્ટેશનની ડિઝાઈન મુસાફરોની સુખાકારીને ધ્યાને લઈ તૈયાર કરવામાં આવી છે. બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે બોટાદ જિલ્લાની સંસ્કૃતિ ઉજાગર કરવામાં આવશે. પાર્કિંગની સુવિધા, સુંદર સુષોભન, વિશાળ પ્રવેશ દ્વાર, વેઈટીંગરૂમ, એસ્કેલેટર સહિતની સુવિધાઓથી બોટાદ રેલ્વે સ્ટેશન સુસજ્જ હશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુપ્રસાદજી ટુંડિયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. બોટાદ રેલ્વે સ્ટેશનના નવીનીકરણના ઈ-શિલાન્યાસ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અવસરે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલિયા, શહેર અગ્રણી મયુરભાઈ પટેલ, રેલ્વે વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં બોટાદવાસીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

બોટાદના “અમૃત ભારત સ્ટેશન” ની મુખ્ય વિશેષતાઓ

બોટાદના સ્ટેશન ભવનનો પુનઃ વિકાસ, સ્ટેશનોનો ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકાસ, સ્ટેશન સુધી પહોંચવાના રસ્તાઓમાં સુધાર, સૌંદર્યતાની દ્રષ્ટીએ બનાવેલ પ્રવેશદ્વાર સાથે સ્ટેશનનો અગ્રભાગ, સ્ટેશન પ્રવેશ, બુકિંગ ઓફિસ, પ્લેટફોર્મની ઊંચાઈ અને સપાટી, સાઈનેજ, રોશની, પ્રતીક્ષા વિસ્તારો, વોટર બૂથ, શૌચાલય વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓનો સુધાર, લેન્ડસ્કેપિંગ, સ્થાનિક કલા અને સંસ્કૃતિ,પાર્કિંગ સહિત આસપાસના વિસ્તારનો વિકાસ, લિફ્ટ અને એસ્કેલેટર સાથે પહોળા ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) ની જોગવાઈ. તે શહેરને બંને તરફથી જોડશે, વિના મૂલ્યે વાઈ-ફાઈ સુવિધા, ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના જેવી નવીન પહેલ દ્વારા સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન વગેરે જેવી સુવિધા આપવામાં આવી છે.

Related posts

Leave a Comment