બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

“મારી માટી- મારો દેશ”

હિન્દ ન્યુઝ, બોટાદ 

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને આધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. 

બેઠકમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મંત્રીએ બોટાદ જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “મારી માટી-મારો દેશ કાર્યક્રમ થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વને અનોખી રીતે ઉજવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવતર કેડી કંડારી રહ્યું છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમો થકી આપણી ભાવિ પેઢી પણ આઝાદીમાં અમૂલ્ય ત્યાગ કરનાર વીરો વિશે જાણી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવો હેતુ છે. આ કાર્યક્રમને આપણે સૌ સાથે મળીને સાર્થક બનાવીએ અને દરેક ઘર, દરેક બાળક સુધી આપણાં દેશની આઝાદીનું મહત્વ પહોંચાડીએ.”

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમારે મંત્રીને “મારી માટી- મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં થઈ રહેલી વિવિધ તૈયારીઓનો ચિતાર આપ્યો હતો. બેઠકમાં ગઢડાના ધારાસભ્ય મહંત શંભુપ્રસાદજી ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલિયા સહિત જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

રિપોર્ટર : અલ્તાફ માણીપરા, બોટાદ

Related posts

Leave a Comment