સમગ્ર બોટાદ જિલ્લામાં “માતૃ ભૂમિની માટીને નમન અને વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવાશે

હિન્દ ન્યુઝ, બોટાદ 

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘ મેરી મીટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ યોજાશે. બોટાદ જિલ્લામાં આ સમગ્ર આયોજનને સુચારું પાર પાડવા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ‘માટીને નમન વીરોને વંદન’ થીમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૦૯ થી તા.૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે ‘મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ’ કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન બોટાદ જિલ્લા સહિત દેશની તમામ પંચાયતોમાં થશે. દરેક પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે. આ તકતીમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળ સહિતની વિગતો હશે.

કાર્યક્રમ દરમિયાન પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે. ઉપસ્થિતો પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ પર અપલોડ કરશે. આ ઉપરાંત દરેક પંચાયતમાં ૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરી અને ‘વસુધા વન’ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુ માટે સ્વાતંત્ર્ય સેનાની/વીરોના પરિવારને આમંત્રિત કરવામાં આવશે, તેમનું સન્માન કરવામાં આવશે. પંચાયતમાં યોજાનાર દરેક કાર્યક્રમમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે.

આ ઉપરાંત માટીને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી અને પંચાયતમાં લાવવામાં આવશે, આ માટી બ્લોકમાં પહોંચશે. બ્લોક ખાતેથી દરેક તાલુકા દીઠ એક યુવાન પરંપરાગત પહેરવેશ પહેરી આ માટીના કળશને દિલ્હી લઈ જશે. આ કાર્યક્રમ પંચાયત ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ યોજાશે.

આ કાર્યક્રમના સુચારું આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયા તેમજ નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર, નાયબ વન સંરક્ષક આયુષ વર્માએ રચનાત્મક સૂચનો કર્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, સમગ્ર જિલ્લા પંચાયતના સદસ્યઓ તેમજ સર્વે પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment