હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુઘસ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના હાઈ રિસ્ક દર્દીઓ માટે આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દર્દીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરી તેમને જરૂરી પોષણ સહાય અને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત ટીબીના દર્દીઓનું વજન કરવામાં આવ્યું હતું તેમજ લોહીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી સારવાર દરમિયાન તેમને પોષણક્ષમ આહાર મેળવવામાં સહાય મળી રહે.
આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા દર્દીઓને ટીબી રોગનાં લક્ષણો, નિયમિત સારવારનું મહત્ત્વ, પોષણયુક્ત આહાર અને સ્વાસ્થ્યની જાળવણી અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી. દર્દીઓને સમયાંતરે આરોગ્ય તપાસ કરાવવા તેમજ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સલાહનું પાલન કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ટીબીના હાઈ રિસ્ક દર્દીઓની સમયસર આરોગ્ય તપાસ, પોષણ સહાય અને યોગ્ય માર્ગદર્શન દ્વારા દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવો તથા ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવો એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓને સમયસર નિદાન, નિયમિત સારવાર અને પોષણ સહાય મળી રહે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
