આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, નવસારી

    આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં તા.૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનારા પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને દિવસના કાર્યક્રમો સફળતાપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ, વિભાગો વચ્ચે સંકલન તથા કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી બનાસકાઠાથી તા.૩૦ ઓક્ટોબરના રોજ પીએમ કિસાન નિધિ યોજનાનો ૨૪મો હપ્તાનું વિતરણ કરશે. જે અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં જિલ્લા પંચાયતની બેઠકદીઠ બે સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ દિવસના કાર્યક્રમો યોજાશે. જેમાં ખેડૂતો વધુમાં વધુ સંખ્યામાં કાર્યક્રમોમાં જોડાય તે માટે જરૂરી મોબિલાઇઝેશનની કામગીરી હાથ ધરવા તેમજ કાર્યક્રમનાં સ્થળોએ એલઈડી સ્ક્રીન, પીવાના પાણી અને અન્ય આનુષંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તા.૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત તમામ ગામોમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે નશામુક્તિ, ટ્રાફિક જાગૃતિ અને સાયબર સુરક્ષા જેવા મહત્ત્વના વિષયો પર જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી રન ફોર યુનિટી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. રાષ્રીસંય એકતા દિવસે મહાનગરપાલિકાકક્ષાએ વોર્ડ દીઠ બે કાર્યક્રમો યોજાશે.

તે જ દિવસે સાંજે ૫:૦૦થી ૫:૩૦ વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ પ્રધાનમંત્રીશ્રીના લાઇવ કાર્યક્રમનું પ્રસારણ તમામ ગ્રામવાસીઓ નિહાળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવશે. સમાજસેવા અને જાહેર સેવામાં નોંધપાત્ર યોગદાન આપનાર તેમજ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા વ્યક્તિઓ, કલાકારો, રમતવીરોની માહિતી ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા પાસેથી મેળવી યોગ્ય વ્યક્તિઓને સન્માનિત કરવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન મંત્રી નરેશભાઈ પટેલે બંને દિવસના કાર્યક્રમો સફળતાપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવવા અને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન ઉત્સવમાં ઉપસ્થિત રહેનાર ખેડૂતો માટે પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવા તેમજ કાર્યક્રમનાં સ્થળોએ વ્યવસ્થાઓ સુચારુ રહે તે સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી નિરાલીબેન નાયક, નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નિવાસી અધિક કલેક્ટર જે. એન. લિખિયા, સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment