રાજકોટ જિલ્લાના આણંદપર (નવાગામ)ના મોડેલ ઈ-ગ્રામ સેન્ટરની નેત્રદિપક કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

                    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાના વિઝન મુજબ, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગામડાઓ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડાઈ રહ્યા છે. રાજ્યમાં સરકારી સેવાઓના ડિજિટાઈઝેશન થકી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પણ સરકારી સેવાઓ ઘર-આંગણે સરળતાથી ઉપલબ્ધ થવા લાગી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઈ-ગ્રામ સેન્ટરો થકી નજીવી ફીમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાઓ વિવિધ સેવાઓનો લાભ મેળવી રહ્યા છે. આ દિશામાં રાજકોટ જિલ્લાના આણંદપરમાં આવેલું મોડેલ ઈ-ગ્રામ સેન્ટર નાગરિકલક્ષી સુવિધાઓમાં નેત્રદિપક કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના નેતૃત્વમાં, રાજકોટ તાલુકાના આણંદપર (નવા ગામ)માં મોડેલ ઈ-ગ્રામ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પબ્લિક-પ્રાઈવેટ-પાર્ટનરશીપના ધોરણે બનાવાયેલા આ સેન્ટરમાં ત્રણ કોમ્પ્યુટર થકી અનેકવિધ સેવાઓ ગ્રામ્ય નાગરિકોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવાઈ છે.

અહીં વિવિધ સેવાઓના ચાર્ટ પણ મુકવામાં આવ્યા છે, તેમજ સેન્ટરમાં આવનારા નાગરિકો માટે પીવાના પાણીની અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગેની વિગતો આપતાં રાજકોટ તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલાએ જણાવ્યું હતું કે, આ મોડેલ ઈ-ગ્રામ સેન્ટર રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતા સેન્ટરમાં સ્થાન પામે છે. અહીં નજીવી ફીમાં લાઈટબિલ, આવકનું પ્રમાણપત્ર, પી.એમ.જે.એ.વાય., ઈ-શ્રમ કાર્ડ, આધારકાર્ડ નવા તેમજ અપડેશન, સરકારી સેવાઓની ભરતી વખતે ફોર્મ ભરવા, વેરા વસૂલાત, ૭/૧૨, ૮-અ વગેરેની કામગીરી કરવામાં આવે છે. અહીં સરેરાશ એક માસમાં ચાર હજાર જેટલા લાઇટબિલ ભરાય છે. વેરા વસૂલાત કમ્પ્યુટરાઈઝ પદ્ધતિથી થાય છે. ૬૦૦ જેટલા આધારકાર્ડ અપડેશન તેમજ ૨૦૦૦ જેટલા ૭/૧૨, ૮-અના દાખલા નીકળે છે. ઉપરાંત ૪૦ જેટલા નવા બેન્ક એકાઉન્ટ, ૨૫૦ જેટલા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, ૩૦૦ જેટલા પી.એમ.જે.એ.વાય. કાર્ડની કામગીરી થઇ છે. સરકારી ભરતીઓ વખતે ૧૫૦ જેટલા ફોર્મ અહીંથી ભરાય છે. ટેકાના ભાવે ખેતજણસોની ખરીદી વખતે ૫૦૦થી વધુ ખેડૂતોના ફોર્મ અહીંથી ભરાય છે. આસપાસના વિસ્તારોના નાગરિકો પણ આ સેન્ટરનો લાભ લે છે. આમ આ મોડેલ ઈ-ગ્રામ સેન્ટર મારફતે અનેક લોકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી નજીવી ફીમાં મળે છે.

Related posts

Leave a Comment