સરકારી દવાખાનામાં “એક્ટોપિક(ટયુબ) પ્રેગ્નન્સી” ધરાવતી જેતપુરની મહિલાનું સફળ ઓપરેશન કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ 

          જેતપુરના તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે એક્ટોપિક(ટયુબ) પ્રેગ્નન્સી ધરાવતી જેતપુરની મહિલાનું યોગ્ય નિદાન કરી રાજકોટની ઝનાના સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ અંગેની વિગતો આપતાં જેતપુરનાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. કુલદીપ એમ. સાપરીયાએ જણાવ્યું હતું કે, જેતપુર નવાગઢ દાસી જીવણપરા વિસ્તારના ૨૫ વર્ષીય કાજલબેનને એક દિવસ અચાનક પેટમાં દુ:ખાવો થતા સરકારી હોસ્પિટલ, જેતપુર ખાતે નિદાન અર્થે લાવવામાં આવ્યા, જયાં તેમનો યુ.પી.ટી. ટેસ્ટ પોઝીટીવ આવવાથી વધુ તપાસ અર્થે સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં “એકટોપિક પ્રેગ્નન્સી” એટલે કે ગર્ભાશયની બહાર ટયુબમાં પ્રેગ્નન્સીનું નિદાન થતાં તેમને જેતપુર સરકારી હોસ્પિટલનાં સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબો અને નવાગઢ અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય સ્ટાફે આ પ્રેગ્નન્સી અને તેના જોખમ વિશે કાજલબેન તથા તેના પરિવારને જાણ કરી કાજલબેનને ઓપરેશન માટે સહમત કર્યા અને નવાગઢ અર્બન હેલ્થ સેન્ટરે કરેલી ૧૦૮ એમ્બ્યુલન્સની વ્યવસ્થાથી કાજલબેનને તુરંત સારવાર મળી શકી. તાલુકા આરોગ્ય અધિકારી ડો. કુલદીપ એમ. સાપરીયાની ભલામણ મુજબ ઝનાના હોસ્પિટલ રાજકોટનાં ગાયનેક વિભાગનાં એચ.ઓ.ડી. ડો. કમલ ગોસ્વામી અને ડોકટરોની ટીમે કાજલબેનનું સફળતાપૂર્વક ઓપરેશન કરી તેમને જોખમમુક્ત કર્યા હતા.

નવાગઢના અર્બન હેલ્થ ઓફીસર ડો. આર.પી.પાંભર, સ્ટાફ બ્રધર અલ્પેશભાઈ ભેડા અને એફ.એચ.ડબલ્યુ પાયલબેન ગોંડલીયા તેઓનું રેગ્યુલર ફોલોઅપ અને કાઉન્સેલીંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક્ટોપિક સગર્ભાવસ્થામાં, ગર્ભાશયને બદલે ગર્ભ ફેલોપિયન ટ્યુબ, પેટના પોલાણ અથવા સર્વિક્સમાં વિકસે છે, જેને “એક્ટોપિક પ્રેગ્નન્સી” કહેવામાં આવે છે. આ પ્રકારની પ્રેગ્નન્સીમાં સગર્ભા મહિલા માટે ખૂબ જોખમ ઉપસ્થિત થવાની શકયતા વધી જાય છે. એક્ટોપિક સગર્ભાવસ્થાના લક્ષણોમાં પેટમાં અસ્વસ્થતા, ઉલટી, હળવા અથવા ભારે રક્તસ્રાવ, પેલ્વિક પીડા, પેટમાં તીવ્ર ખેંચાણ, ચક્કર અથવા નબળાઇ, વધુ પડતો પરસેવો, નિસ્તેજ ત્વચા, એનિમિયા, મૂર્છા, ખભા, ગરદનમાં દુ:ખાવો, શરીરના એક ભાગમાં દુ:ખાવો હોઈ શકે છે. આ પ્રકારની ગર્ભાવસ્થા પાછળ ફેલોપિયન ટ્યુબની બળતરા , કોઈ કારણસર ટ્યુબ ક્ષતિગ્રસ્ત, ફળદ્રુપ ઇંડાનો અસામાન્ય વિકાસ , હોર્મોન અસંતુલન, પેલ્વિક ઇનફ્લેમેટરી રોગ, ૩૫ પછી ગર્ભાવસ્થા સહીતનાં કારણો જવાબદાર છે. જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો જીવનું પણ જોખમ રહે છે. જેતપુરનાં આરોગ્યકર્મીઓની સમયસુચકતાની મદદથી સફળતાપૂર્વક માતા મરણ થતુ અટકાવી માતા મૃત્યદર ઘટાડવામાં મહત્વની ભૂમિકા રહી છે.

Related posts

Leave a Comment