રમતગમત વિભાગ દ્વારા આયોજિત સમર કેમ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ વિજેતા ખેલાડીઓ સહીત ટ્રેનિંગ મેળવતા ૧૪૬ રમતવીરો

હિન્દ ન્યુઝ, રાજકોટ

            રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજકોટ ખાતે તા. ૧૧ મે થી ૩૧ મે ૨૦૨૩ દરમ્યાન સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સમર કેમ્પમાં ખેલ મહાકુંભના વિજેતા, રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલા જુદા જુદા એસોસિએશનના ખેલાડીઓ સમાવેશ કરવામાં આવેલો છે. જે પૈકી એથ્લેટિક્સમાં ૧૧૮ બહેનો અને સ્વિમિંગમાં ૨૮ ભાઈઓ ભાગ લઈ રહ્યા છે. જેઓને રેસકોર્સ સ્થિત લોકમાન્ય તિલક સ્વિમિંગ પૂલ અને સિન્થેટિક ટ્રેક ખાતે સવાર સાંજ પ્રશિક્ષણ આપવામાં આવે છે. ખેલાડીઓને રાજકોટ સ્પોર્ટસ હોસ્ટેલ ખાતે રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ૨૧ દિવસીય સમર કેમ્પમાં સવાર, સાંજ ૩-૩ કલાક સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાતના એકસપર્ટ કોચ તરીકે ફરજ બજાવતા કોમનવેલ્થ અને એશિયન મેડાલિસ્ટ શ્રીમતિ શ્રધ્ધા ભાસ્કર ઘુલે, રમા કેદારનાથ મદ્રા એથ્લેટીક્સ કોચ અને તેમની ટીમના સુમન પુનિયા, કૌશિક સિંધવ, અવિનાશ ટંડેલ, રતન ભૂરિયા, પ્રકાશ બારિયા, સ્વિમિંગમાં બંકિમ જોશી તેમજ પ્રીતમ, અક્ષય રાણીંગા વગેરે પ્રશિક્ષકો દ્વારા ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવી રહી છે. કેમ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા તીમ્બડીયા મૈસુરી, દેવ્યાનીબા ઝાલા,ભૂમિકા મોઢવાડિયા,વાજા કાજલ, પરમાર મોસમી, સવિતા સહિતના સ્ટાર ખેલાડીઓ પ્રશિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ ચોક્કસ ઝળકાવશે તેવો આશાવાદ રાજકોટ સમર કેમ્પ ખાતે ઉપસ્થિત કોચ દ્વારા પ્રશિક્ષકોએ દર્શાવ્યો હતો. સમર કેમ્પને સફળ બનાવવા માટે મેયર પ્રદીપ ડવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલનો સહયોગ પ્રાપ્ત થયાનું જિલ્લા રમત અધિકારીએ આભાર માનતા જણાવ્યું છે.

Related posts

Leave a Comment