સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949 સુધારા વિધેયક વિધાનસભામાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

      ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949ની કલમ-75 અને 75(એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવ્યું, જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું.

આ સુધારા દ્વારા હવે ગેરકાયદેસર તબદીલીના કિસ્સામાં સ્પષ્ટ અને વ્યવસ્થિત પ્રક્રિયા નક્કી કરવામાં આવી રહી છે; જે મુજબ, કલેક્ટર આપમેળે અથવા જમીનમાં હિત ધરાવતી કોઈ વ્યક્તિની અરજીના આધારે કાર્યવાહી શરૂ કરી શકશે. જો તબદીલી ગેરકાયદે જણાય, તો કલેક્ટર ત્રણ મહિનાની મુદતમાં જમીન વેચનારને જમીન પરત કરવા જણાવશે અને ખરીદનારે તે જમીન પરત કરવાની રહેશે. અને, જો નક્કી કરેલ મુદતમાં જમીન અગાઉની સ્થિતિમાં પરત ન કરવામાં આવે, તો કલેક્ટર તબદીલી ગેરકાયદેસર જાહેર કરશે અને આવી જમીન તમામ બોજા રહિત સરકારમાં નિહિત થશે અને આવી જમીનનો નિકાલ સરકારી પડતર જમીન તરીકે કરવામાં આવશે.

કલમ-75(એ)માં સૂચિત સુધારા સૂચવતા મહિડાએ કહ્યું કે આ સુધારા દ્વારા દંડના કિસ્સામાં બિનખેડૂત વ્યક્તિ અથવા સંસ્થાએ જમીનના પ્રવર્તમાન જંત્રી કિંમતની ત્રણ ગણી રકમ એક મહિનાની મુદતમાં ભરપાઇ કરવાની રહેશે અને સદર જમીન વેચાણ આપનાર ખેડૂત ખાતેદારને અગાઉની સ્થિતિમાં પરત કરવાની રહેશે.

Related posts

Leave a Comment