હિન્દ ન્યુઝ, ભુજ
યોગ ભારતની પ્રાચીન ધરોહર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ સમગ્ર વિશ્વે યોગને અપનાવ્યો છે. આ નિમિત્તે દર વર્ષે ૨૧ જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે યોગ એક દિવસ પુરતો નહીં પણ બારેમાસ જીવનમાં અપનાવવામાં આવે તો તે શારીરીક અને માનસિક વ્યાધિમાંથી મુક્તિ આપવા સક્ષમ છે તેવું, છેલ્લા ૧૬ વર્ષથી યોગસાધના કરતા ભુજના ૫૨ વર્ષીય દિલીપભાઇ ઠક્કરે જણાવ્યું હતું.
આજથી ૧૯ વર્ષ પહેલા તેમનું માનસિક સ્વાસ્થ્ય કથળતા તેમને મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરૂર પડી. માનસિક બીમારી માટે તેમને હેવી ડોઝની ગોળીઓ લેવી પડતી હતી, ધીરે ધીરે પરિસ્થિતિ વધુ વણસતા આ રોગમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી તે અંગે તેમણે રસ્તા શોધવાની શરૂઆત કરી, આખરે તેઓએ યોગ સાધનાનું શરણું લીધું. સતત ત્રણ વર્ષ માનસિક સારવારની ગોળીઓ ખાધા બાદ યોગને જીવનમાં અપનાવતા તેઓએ તેમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી. દિલીપભાઇ યોગ સાથેના તેના અનુભવો વર્ણવતા જણાવે છે કે, વધુ ગોળીઓ લેવી પડે તે સ્થિતિ સુધી તેઓ પહોંચવા માંગતા ન હતા. જેમ ગોળીઓનો ડોઝ રોજ લેવો પડતો હોય તેમ તેઓએ યોગને દૈનિક ડોઝ સમજીને જીવનમાં ઉતાર્યો. આખરે બીમારીમાંથી તેમને મુક્તિ મળી !!.
ખુદના અનુભવો બાદ તેઓએ યોગને જીવનમાં આત્મસાત કરીને અન્યોને પણ યોગ સાથે જોડવા રીતસરની ઝુંબેશ શરૂ કરી. અત્યારસુધી તેઓ હજારો લોકોને નિ:શુલ્ક યોગ શીખવાડી ચુક્યા છે. દૈનિક ધોરણે તેઓ નિ:શુલ્ક યોગ ક્લાસ ચલાવે સાથે સામાજિક સંસ્થા, શાળા, કોલેજ વગેરે તમામ જગ્યાએ પણ વર્ષભર સેવા આપે છે. તેઓએ જણાવ્યું હતું કે, મારા આટલા વર્ષોના અનુભવોમાં યોગને દૈનિક રીતે અપનાવેલા અનેક લોકોને વિવિધ બીમારીથી મુક્તિ મેળવતા જોયા છે. આ એક વિજ્ઞાન છે આપણા ઋષિઓની દેન છે. જો તેને ગંભીરતાથી લઇને જીવનમાં સ્થાન આપવામાં આવે તો ચોક્કસ ફાયદા મળે છે.
તેઓએ ૧૨માં યોગ દિવસ નિમિત્તે કચ્છવાસીઓને પણ ૨૧ જૂનથી જ યોગને જીવનમાં અપનાવીને શારિરીક અને માનસિક તંદુરસ્તી તરફ ડગ માંડવા અપીલ કરી હતી.
