હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
દ્રઢ મનોબળ, સખત પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શન હોય તો ગમે તેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ સફળતા મેળવી શકાય છે. આવું એક પ્રેરણાદાયી ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામના ખેડૂત પુત્ર રોનકભાઇ રાઠવાએ પૂરું પાડ્યું છે. વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૨ ની પરીક્ષામાં ૭૦ ટકા મેળવનાર રોનકે પોતાની મહેનત અને સરકારી સહાયથી ઉચ્ચ શિક્ષણનું સપનું સાકાર કર્યું છે.
રોનક રાઠવા સાથેની મુલાકાતમાં JEE અને ગુજકેટ (GUJCET) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસ બાબતે જણાવતા કહ્યુ કે, મારી આર્થિક પરિસ્થિતી સારી નહોવાથી JEE અને ગુજકેટ (GUJCET) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી મે ઓનલાઇન એજ્યુકેશન માધ્યમો જેવા કે ફીઝીક્સવાલા, એલેન અને વેદાંત જેવી YOUTUB ચેનલ પરથી કરી હતી.મે ઘરેબેસીને ઓનલાઇન જૂના પ્રશ્નપત્રો સોલ્વ કર્યા હતા. મારી આ મહેનતના પરિણામે મને પ્રતિષ્ઠિત પંડિત દિનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી (PDPU) માં બી.ટેક પેટ્રોલિયમ એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રવેશ મળ્યો.
આદિજાતિ વિકાસ વિભાગની ફ્રી શિપકાર્ડ યોજના વિશે વાત કરતા રોનકે જણાવ્યુ કે, પંડિત દિનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે મારે ફિ ચૂકવવી ખૂબ મુશ્કેલ હતી. આ સમયે છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગની કચેરીનો સંપર્ક કર્યો અને રાજ્ય સરકારની ફ્રીશિપ કાર્ડ યોજના વિશે માહિતી મેળવી. આ યોજના અંતર્ગત રૂ. ૧૧ લાખની સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળતા મારો ઉચ્ચ શિક્ષણનો માર્ગ સુગમ બન્યો છે.
તેણે વધુમાં ઉમેર્યું હતું કે, અભ્યાસ બાદ ONGC અને રિલાયન્સ જેવી દેશની ટોચની કંપનીઓમાં સારું પ્લેસમેન્ટ મેળવીને તે પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. ગરીબ અને આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે મદદરૂપ થવા બદલ ગુજરાત સરકાર અને આદિજાતિ વિકાસ વિભાગનો હૃદયપૂર્વક આભાર માનુ છુ.
અન્ય વિદ્યાર્થિઓને સંદેશ આપતા રોનક જણાવે છે કે, છોટાઉદેપુર જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓ JEE અને NEET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓના મહત્વથી અજાણ છે. આ પરીક્ષાઓ દેશની શ્રેષ્ઠ કોલેજોમાં એડમિશન મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. હું તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તેઓ આ પરીક્ષાઓની માહિતી મેળવે અને તૈયારી શરૂ કરે.
આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ફ્રીશિપ કાર્ડ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેના થકી આજે રોનક જેવા અનેક યુવાનો ડૉક્ટર, કમ્પ્યુટર એન્જિનિયર અને આઈટી નિષ્ણાત બનીને પોતાના સપના સાકાર કરી રહ્યા છે.
