હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
એક સમયે અસાધ્ય ગણાતો ટી.બી.રોગ આજે રાજરોગ મટીને સામાન્ય રોગ બન્યો છે. પરંતુ શરત માત્ર એ છે કે, આ માટે યોગ્ય આહાર-વિહાર શૈલી અપનાવી અને નિયમિત રીતે ડૉક્ટરના દિશાદર્શનમાં યોગ્ય દવાઓ લેવી.
સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત કરવા માટે અભિયાનરુપે કામગીરી કરવામાં આવી રહી છે. જેને મોટી સફળતા મળી છે અને ગીર સોમનાથ જિલ્લાના ૧૭૪ ગામો ટી.બી. મુક્ત કરી શકાયા છે.
‘નિક્ષય મિત્ર’ યોજના દ્વારા જિલ્લાના પ્રવર્તમાન ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ સહિતની દવાઓ આપવામાં આવી રહી છે, આ ઉપરાંત ટી.બી.વિભાગ દ્વારા તેમનું નિયમિત ચેકઅપ અને ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. જેના કારણે ગીર સોમનાથ જિલ્લો ટી.બી. નિર્મૂલનની દિશામાં અગ્રેસર બન્યો છે.
તાજેતરમાં ભાવનગર ખાતે ગ્રીપ-૨૦૨૫ અંતર્ગત ટી. બી. કામગીરી અંગે ગીર સોમનાથ જિલ્લા દ્વારા “Progress Toward TB-Free Gir Somnath Through Strengthened Diagnostics and Community Participation” વિષય પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત આપતા જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લામાં ટી.બી. નિયંત્રણ અને નિર્મૂલન માટે કરવામાં આવતી વિવિધ કામગીરીની પ્રેઝન્ટેશનના માધ્યમથી અસરકારક રીતે રજૂઆત કરવામાં આવી હતી.
