ભાવનગર ખાતે આઈ.જી. કપ લોન ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર ખાતે સીદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે લોન ટેનિસ આઇ.જી.કપ ટૂર્નામેન્ટની શરૂઆત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે મોડી સાંજે કરાવી હતી.

આ તકે આઇ.જી.પી. કપ લોન ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, લોન ટેનિસની રમતનું આવું ભવ્ય આયોજન આ ખેલનાં ફલકને વિસ્તારવા માટે ખૂબ જ સરાહનીય પ્રયાસ છે.

રાજ્યમાં રમત માટેની રુચિ રમતવીરોમાં વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરી રમતવીરોમાં નવો જોમ અને જુસ્સો ભર્યો હતો. જેને લીધે આજે ગુજરાતમાં અનેક ખેલાડીઓ વિવિધ રમતોમાં આગળ આવી રહ્યાં છે.

તેમણે ભાવનગરમાંથી તૈયાર થયેલા ખેલાડીઓ આગામી સમયમાં ગુજરાત અને દેશનું નેતૃત્વ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

આગામી દિવસોમાં લોન ટેનિસની DDO કપ અને RCM કપની સાથે વધુ એક ફાઈનલ કપ મળી કુલ પાંચ કપ વર્ષ દરમિયાન ભાવનગર ખાતે યોજાશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવી હતી.

આ તકે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, બાળકના સાર્વત્રિક વિકાસ માટે ઇન્ડોરની સાથે સાથે કોઈ એક આઉટડોર ગેમ્સ રમાડવી જરૂરી છે.

આ કપનાં આયોજન થકી ભાવનગરમાં ખૂબ જ સરસ સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થઇ રહ્યું છે. ૨૦૦ થી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન તેમજ ૭૦૦ થી વધુ મેચ યોજવી એ ગૌરવની વાત છે. જે ખેલાડીઓનો લોન ટેનિસ રમત પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે.

આ તકે કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધાનું આયોજન થવાથી સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળશે.તેમજ નેશનલ તથા ઈન્ટરનેશનલ ખેલાડીઓ બનવા માટે યોગ્ય વાતાવરણ મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે યોજાયેલ આઇ.જી.કપને મળેલ સફળતાને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે પણ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવની પ્રેરણા અને પ્રોત્સાહનથી કરવામાં આવી રહ્યું છે.

આ સ્પર્ધા તા.૧૦ જૂન, ૨૦૨૨ થી તા.૨૦ જૂન, ૨૦૨૨ એમ કુલ ૧૦ દિવસ સુધી યોજાશે. આ સ્પર્ધામાં ૧૦ કેટેગરીમાં ૮ વર્ષથી લઈને ૭૨ વર્ષના ટેનિસના ખેલાડીઓ જોડાઇ ભાવનગર અને અન્ય જિલ્લામાંથી મળી કુલ ૨૦૦ લોકો પોતાની રમતનું કૌવત બતાવશે. આટલાં બધાં ખેલાડીઓની નોંધણી આ રમત માટેની ચાહના બતાવે છે કે, ભાવનગર ની સાથે સમગ્ર રાજ્યમાં લોન ટેનીસની ચાહના વધી રહી છે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામક અજય દહીંયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment