હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ક્રીડા ભારતી જૂનાગઢ વિભાગ દ્વારા આજરોજ સમગ્ર જિલ્લામાં જુદા-જુદા ૫૦ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ગામો, નગરો, શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં રમતવીરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને યોગપ્રેમી નાગરિકોએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.
આ કાર્યક્રમો દરમિયાન યોગના મહત્વ, સ્વસ્થ જીવનશૈલી અને દૈનિક જીવનમાં યોગને અપનાવવાના સંદેશ સાથે વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનું સામૂહિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ નિયમિત યોગ કરી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. ક્રીડા ભારતી જૂનાગઢ વિભાગના કાર્યકરો અને સ્થાનિક આયોજકોના સહયોગથી જિલ્લાના તમામ ૫૦ કેન્દ્રો પર કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા.
આ ઉજવણી દ્વારા સમાજમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાય અને “સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર”ના સંકલ્પને વધુ બળ મળે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ક્રીડા ભારતી જૂનાગઢ વિભાગ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ આયોજકો, સહયોગીઓ અને ઉપસ્થિત યોગ સાધકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે સંયોજક, ક્રીડા ભારતી જૂનાગઢ વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ છે.
