મતદાસ્યાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ સંદર્ભે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ

હિન્દ ન્યુઝ, દાહોદ 

    ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ૮૨,૧૬૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલ તેમજ ૨૦,૪૦૯ મતદારો તેમના સરનામે મળી આવેલ ન હતાં. જ્યારે ૮૭૮ મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવા અનિચ્છા દર્શાવેલ હતી.

તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં આજ રોજ પ્રસિદ્ધ કરેલ આખરી મતદારયાદીમાં કુલ ૧૫,૨૬,૮૫૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૭,૬૮,૩૨૬ પુરુષો અને ૭,૫૮,૫૧૮ મહિલાઓ તેમજ ૧૩ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારયાદીની આખરી પ્રસિદ્ધી CEO ગુજરાતની વેબસાઈટ https://voters.eci.gov.in/download-croll પર, જિલ્લાની ઓફિશિયલ વેબસાઈટ https://dahod.gujarat.gov.in/news/sirfinal electrolroll પર મતદાર નોંધણી અધિકારીઓની કચેરી ખાતે, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની કચેરી ખાતે તેમજ દરેક મતદાન મથકો તેમજ ગ્રામપંચાયત કચેરી/ નગરપાલિકા પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તમામ ૦૬ વિધાનસભા મતવિસ્તારની મતદારયાદીની આખરી પ્રસિદ્ધીની એક નકલ હાર્ડકોપીમાં અને એક નકલ સોફ્ટકોપીમાં તમામ માન્ય રાજકીય પક્ષોને આપવામાં આવી.

આખરી મતદારયાદી સંદર્ભે મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે કોઈ મતદારને વાંધો હોય તો તેઓ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 24(A) મુજબ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર, દાહોદન પ્રથમ અપીલ કરી શકશે. તેમજ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ,1950 ની કલમ 24(B) મુજબ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર, દાહોદના નિર્ણય સામે મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરને બીજી અપીલ કરી શકશે.

કોઇપણ મતદારોને મતદારયાદી સંદર્ભે વધુ જાણકારી મેળવવી હોય કે કોઇ સમસ્યા હોય તો Voter Helpline – 1950 ટોલ ફ્રી નંબર પર કોલ કરી જાણકારી મેળવી શકશે.

આ બેઠક દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા, તમામ ERO ઉપરાંત ભાજપ પ્રતિનિધિ તરીકે હીરાલાલ સોલંકી, કોંગ્રેસ પ્રતિનિધિ તરીકે રામસિંહ ચરપોટ તેમજ આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે ભાનુપ્રસાદ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment