શાળાના બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે છે કે નહી તે તપાસવા માટે જિલ્લાની ૨૦ શાળાઓમાં હાથ ધરાયું ‘સામાજિક ઓડિટ’ 

હિન્દ ન્યુઝ, ડાંગ

     ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને પૂરતું પોષણયુક્ત ભોજન મળી રહે તથા શાળામાં બાળકોની નિયમિતતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી પી.એમ.પોષણ યોજના અંતર્ગત, ડાંગ જિલ્લામા ‘સામાજિક ઓડિટ’ બાદ ‘૫બ્લિક હિયરિંગ’ યોજાઇ ગયુ. ‘નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાઓમા ખુબજ મહત્વકાંક્ષી આ યોજનાનુ સામાજિક ઓડિટ, રાજ્ય સરકારની સ્વાયત સંસ્થા ‘મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટૂટ-અમદાવાદ’ ને સોંપવામા આવ્યુ છે. જેમના દ્વારા ‘નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩’ની કલમ-૨૮ ની જોગવાઈઓને આધીન રહી, જિલ્લાની ૨૦ જેટલી શાળાઓનુ ગત દિવસો દરમિયાન ‘સામાજિક ઓડિટ’ હાથ ધરાયુ હતુ.

   આ ઓડિટ બાદ જન સુનાવણીના બીજા તબક્કે સંસ્થા દ્વારા આહવાના ડો.આંબેડકર હોલ ખાતે સંસ્થાના ડો.સુમન વૈષ્ણવ, તથા પી.એમ.પોષણ યોજનાના સંયુક્ત કમિશનર કે.એન.ચાવડાની આગેવાની હેઠળ તાજેતરમા ‘૫બ્લિક હિયરિંગ’ યોજાયુ હતુ. જેમા પી.એમ.પોષણ યોજના સાથે સંકળાયેલા શિક્ષણ વિભાગના અધિકારીઓ, મહેસૂલી અધિકારીઓ, જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓ, કેન્દ્ર સંચાલકો, શાળાના આચાર્યશ્રીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. પી.એમ.પોષણ યોજનાની સારી બાબતોને ઉજાગર કરવા સાથે પ્રોત્સાહન આપવા, તથા ત્રુટીઓનો સાનુકૂળ નિકાલ લાવવાના ઉદ્દેશ સાથે આયોજિત ‘પબ્લિક હિયરિંગ’ દરમિયાન ડાંગ જિલ્લાની ૨૦ શાળાઓ પૈકી કડમાળ, કોટબા, ગારખડી, બાજ, કુંડા અને સુસરદા જેવી પ્રાથમિક શાળાઓમા યોજના ફળીભૂત થઈ રહી હોવાનુ તારણ સામે આવવા પામ્યુ હતુ. જ્યારે કેટલીક શાળાઓમા ગેસની સુવિધા, વાસણો બદલવા, પીવાના પાણીની સુવિધા, ભોજનનો જથ્થો વધારવા, જરૂરી રજીસ્ટરોની નિભાવણી, સ્વચ્છતા જેવા મુદ્દે સુધારાની આવશ્યક્તા ઉપર ભાર મુકાયો હતો. યોજના સાથે સંકળાયેલા સંબધિત અધિકારીઓ, શાળા અને કેન્દ્ર સંચાલકોના સુચારૂ સંકલન ઉપર ભાર મૂકતા સંસ્થાએ ફોર્ટિફાઇડ મીઠાનો વપરાશ, સ્વચ્છતા, ફાયર સેફ્ટીની સુવિધા અને તાલીમ, સીઝનલ મેનૂ, વિઝિટ બુક અને સુપરવિઝનની એન્ટ્રી સહિત કૂક-કમ- હેલ્પરના પગાર જેવા મુદ્દે સામાન્ય ભલામણો પણ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામા પી.એમ.પોષણ યોજનાનો લાભ જિલ્લાની ૩૭૮ શાળાઓના ૪૨,૪૦૨ બાળકો લઈ રહ્યા છે.

Related posts

Leave a Comment