વલસાડ જિલ્લામાં ૧૦ હેક્ટરમાં કમલમ (ડ્રેગન) ફ્રુટની સફળ ખેતી, ઓછી મહેનતે વધુ આવક આપતો પાક

હિન્દ ન્યુઝ, વલસાડ

            સરકાર દ્વારા ખેડૂતોને રૂ. ૩ લાખથી લઈને રૂ. ૪.૫૦ લાખ સુધીની સહાય પણ ચૂકવાય છે માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૯ એપ્રિલ દેશભરમાં કમલમ (ડ્રેગન) ફ્રુટની ખેતી ખુબ જ પ્રચલિત થઈ રહી છે. ખેડૂતો માટે આવકની દ્રષ્ટિએ અને લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વના ગણાતા કમલમ ફ્રુટની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં હાલમાં અંદાજે ૧૦ હેક્ટર જમીન વિસ્તારમાં ૧૦ થી ૧૫ જેટલા ખેડૂતો સફળતાપૂર્વક કમલમ પાકની ખેતી કરી રહ્યા છે. વલસાડ જિલ્લા બાગાયત ખાતાના નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલે જણાવ્યું કે, કમલમ ફળની પોષણ ક્ષમતા મુજબ માનવ સ્વાસ્થયને ઘણા ફાયદા થાય છે. હાઈબ્લડ પ્રેશર અને વિવિધ હ્રદય રોગને રોકે છે. ત્વચાના કોષોને વૃધ્ધ થવામાં વિલંબ પેદા કરે છે. રોગ પ્રતિકારક શકિત વધારે છે અને ડાયાબીટીસનું નિયંત્રણ કરે છે. કોલેસ્ટોરેલનું સ્તર ઘટાડવામાં અને વજન ઘટાડવાની સારવારમાં પણ ઉપયોગી બને છે. કમલમ પાકની ખેતી અંગે વધુમાં જણાવ્યું કે, બીજા પાકોની સરખામણીમાં પાણી અને ઓછી કાળજી જરૂર છે. ચીકણી અને નિતાર શકિતના હોય એ સિવાયની બધા જ પ્રકારની જમીન અને વાતાવરણ અનૂકુળ છે.

આ પાક ૨૦-૨૫ વર્ષ સુધી ફળો આપે છે. ખેડૂત બીજા/ત્રીજા વર્ષમાં આર્થિક વળતર મેળવી પોતાનું રોકાણ પાછુ મેળવી શકે છે અને અને ઓછી મહેનતે વધુ વળતર મેળવી શકે છે. કમલમના રોપાનું વાવેતર જુન થી જાન્યુઆરી માસ સુધી કરી શકાય છે. ગુજરાત રાજયના બાગાયત ખાતા દ્વારા કમલમ ફળના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે “કમલમ ફળ વાવેતરમાં સહાય કાર્યક્ર્મ” ની યોજના કાર્યરત છે. આ યોજનાના ધારા ધોરણો મુજબ રૂ.૬.૦૦ લાખ પ્રતિ હેકટર યુનિટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડૂતને રૂ. ૩,૦૦,૦૦૦ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને રૂ.૪,૫૦,૦૦૦ ની મર્યાદામાં કે જે ઓછુ હોય તે મુજબ ૧.૦૦ હેકટરની મર્યાદામાં પ્રથમ વર્ષે અને બીજા વર્ષે સહાય મળે છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી સરકાર દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન કરેલી અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનિક કાગળો જેવા કે ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથેની અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦૧ ટેલીફોન નંબર- ૦૨૬૩૨ – ૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે.

Related posts

Leave a Comment