વડગામ બ્લોકના બી.આર.સી.કો ઓર્ડીનેટર મહેન્દ્રસિંહ બારડની રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

     રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે 34 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 18 પ્રાથમિક શિક્ષકો, 5 માધ્યમિક શિક્ષકો, 1 ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, 5 આચાર્ય, 3 એચ ટાટ, 1 ખાસ શિક્ષક અને 1 બી.આર.સી કો- ઓર્ડીનેટરની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરાઈ છે. જેમાં રાજ્યકક્ષાએ એકમાત્ર બી.આર.સી કો ઓર્ડીનેટર શિક્ષક તરીકે બનાસકાંઠા જિલ્લાના વડગામની તાલુકા પગાર કેન્દ્ર શાળામાં ફરજ બજાવતા શિક્ષક મહેન્દ્રસિંહ જેઠુસિંહ બારડની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે તેઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ બદલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. રાજ્યક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ દર વર્ષે શિક્ષક દિન તારીખ 5મી, સપ્ટેમ્બરના દિવસે આપવામાં આવે છે. વડગામની તાલુકા પગાર કેન્દ્ર શાળામાં છેલ્લા 12 વર્ષથી બી.આર.સી.કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શિક્ષક મહેન્દ્રસિંહ જેઠુસિંહ બારડ એક ઉમદા શિક્ષક અને કેળવણીકારમાં હોવા જોઈએ એવા તમામ ગુણો ધરાવે છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં શૈક્ષણિક સ્તર સુધારવા અને ગુણવત્તાસભર શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેલા મહેન્દ્રસિંહ બારડની પસંદગીથી બનાસકાંઠા જિલ્લાનું અને વડગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં વડગામ તાલુકાની શૈક્ષણિક પ્રગતિને એક આગવી ઓળખ અપાવી છે.

મહેન્દ્રસિંહ બારડ એસ.એસ.સી., એચ.એસ.સી., પી.ટી. સી., બી.એ, એમ.એ., બી.એડ જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. લાગણી અનુભવતાં મહેન્દ્રસિંહ બારડે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો. અને વડગામ તાલુકાની શૈક્ષણિક પ્રગતિ માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આગામી 5 મી સપ્ટેમ્બરને શિક્ષક દિનના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેકટર- 19 ગાંધીનગર ખાતે યોજાનાર સમારોહમાં મહેન્દ્રસિંહ બારડને રાજ્યના માનનીય રાજ્યપાલના હસ્તે શાલ, પ્રમાણપત્ર અને રૂ. 51 હજારનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. વડગામ જેવા તાલુકામાંથી રાજ્યના શ્રેષ્ઠ બી.આર.સી. કો-ઓર્ડીનેટર તરીકેની તેમની પસંદગી જ બતાવે છે કે રાજ્યના અન્ય વિકસિત જિલ્લા/ તાલુકાઓની તુલનામાં તેમનું કામ કેટલું મહત્વનું અને પરિણામ દર્શક હશે કે રાજ્યકક્ષાએ તેમની પસંદગી થઈ. ચાણક્યે કહ્યું છે શિક્ષક કદી સાધારણ હોતો નથી. મહેન્દ્રસિંહ બારડએ સમગ્ર રાજ્યમાં વડગામ તાલુકાની શૈક્ષણિક જ્યોતને પ્રજ્વવલિત કરી અન્યો માટે પ્રેરણાદાયી પથ નિર્દિષ્ટ કર્યો છે.

Related posts

Leave a Comment