પોષણથી ભરપૂર છે મિલેટ્સ, રોજિંદા આહારમાં કરો સિલેક્ટ’

હિન્દ ન્યુઝ, સુરત 

              યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, ભારત આ વર્ષે જી-૨૦ સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે, ત્યારે જી-૨૦ અંતર્ગત સ્વાસ્થ્ય, પર્યાવરણ, પોષણ, વ્યાપાર સહિતના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિષયો પર બેઠકો યોજાઈ રહી છે. G20 ની બેઠકોમાં મિલેટ્સને પણ ચર્ચા-મંત્રણાનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. તા.૨૬મી માર્ચના રોજ ઉત્તરપ્રદેશના વૃંદાવન ખાતે જી-૨૦ અને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ના ભાગરૂપે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં તા.૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન ત્રિદિવસીય ‘જી-૨૦ આંતરરાષ્ટ્રીય યોગ ઉત્સવ અને મિલેટ્સ'(શ્રીઅન્ન) મેળો-૨૦૨૩’ યોજાયો હતો, જેમાં દ્વિતીય દિને પ્રવચન આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સુરતના શેલ્બી હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્રખ્યાત સિનીયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોસ્કોપિક સર્જન ડો.મનિષ સૈની (MBBS, MS, FIASM, DipSICOT) વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડો.સૈનીએ અહીં ‘હેલ્ધી બોન્સ એન્ડ જોઈન્ટ’ વિષય ઉપર જ્ઞાનવર્ધક વિચારો વ્યક્ત કર્યા હતા. ડો.મનિષ સૈની હાડકાના રોગોના તબીબ છે, પણ તેઓ મિલેટ્સના લાભો અને સ્વાસ્થ્ય જાળવણીમાં મહત્વ અંગે બહોળું જ્ઞાન ધરાવે છે. ડો.સૈની કહે છે કે, મિલેટ્સને હલકું ધાન્ય શા માટે કહેવામાં આવે છે? તે જાણવું જરૂરી છે. લોકોમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે મિલેટ્સ એટલે હલકું, હલકી ગુણવત્તાવાળું ધાન્ય જેનું સેવન ગરીબો જ કરે છે. એટલે જ લોકોએ ઘઉંને વધુ પ્રાધાન્ય આપ્યું. પરંપરાગત ધાન્યને હલકા ધાન્ય પાકો એટલે પણ કહ્યાં કે તે પચવામાં હળવા-હલકા છે, એટલે કે ઝડપથી પચી જાય, પરંતુ આપણે તેને ગુણવત્તામાં હલકા સમજી ખોરાકમાંથી જ દૂર કર્યા. પરંતુ વાસ્તવમાં ઘઉં કરતા જુવાર, બાજરા, રાગીમાં અનેકગણી ગુણવત્તા છે.

સામાન્ય લોકોની નજરે જુવાર, બાજરો હલકા ધાન્ય, પરંતુ આ હલકા ધાન્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘઉં, ચોખા પર ભારે પડે તેવા છે. ડો.મનિષ વધુમાં કહે છે કે, મિલેટ્સનું ઉત્પાદન પશ્ચિમી રાષ્ટ્રોની દ્રષ્ટિએ ગરીબ ગણાતા ભારત, નાઈજીરીયા, ચીન, આફ્રિકન દેશો જેવા વિકાસશીલ દેશોમાં શરૂ થયું હતું. મિલેટ્સ યુ.કે., યુ.એસ., જાપાન કે યુરોપીયન દેશોની દેન નથી, આપણા જેવા વિકાસશીલ દેશોની વિશ્વને ભેટ ગણી શકાય. સૌથી વધુ મિલેટ ઉત્પાદન વિકાસશીલ દેશો જ કરે છે. વિશ્વના કુલ મિલેટ્સ ઉત્પાદન પૈકી ૫૫ ટકા જેટલું માતબર ઉત્પાદન ભારત, ચીન અને નાઈજીરિયા સંયુક્ત રીતે કરે છે. ભારતનો ફાળો તેમાં ૨૦ ટકા છે. ભારતના ૨.૫ કરોડ જેટલા ખેડૂતો મિલેટ્સની ખેતી કરે છે. આપણા વડવાઓનો મુખ્ય ખોરાક ‘શ્રી અન્ન’ જ હતું. ડો.મનિષ સૈની જણાવે છે કે, ‘જે રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આપણી પ્રાચીન યોગ વિદ્યાને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ યોગ દિવસ’ના રૂપમાં વૈશ્વિક સ્તરે માન્યતા અને ખ્યાતિ અપાવી છે, તે જ રીતે તેમના નેતૃત્વમાં ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી જ સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ’ તરીકે જાહેર કર્યું. સમગ્ર વિશ્વ આ વર્ષની ઉજવણી કરી રહ્યું અને ભારત આ ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ઉપરાંત, સમગ્ર વિશ્વને મોટા, હલકા કે બરછટ અનાજ જેવા નામથી જાણીતા જુવાર, બાજરો, કાંગ, બન્ટી-બાવટો સહિતના આઠ પ્રકારના પરંપરાગત ધાન્યને ‘શ્રીઅન્ન’ જેવું પવિત્ર નામ આપી તેના ભરપૂર સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ સમજાવી વિશ્વ ફલક પર શ્રીઅન્નની મહત્તા સ્થાપિત કરી છે. ’શ્રીઅન્ન’ હાડકાની મજબૂતી માટે મહત્વપુર્ણ એવા કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો મુખ્ય સ્ત્રોત ડો. સૈની જણાવે છે કે, વિશ્વમાં એક બાજુ Food Security (ખાદ્ય-સુરક્ષા) અને Food Habbits (ખાદ્ય આદતો)ની વ્યાપક સમસ્યા છે, ત્યારે ‘શ્રીઅન્ન’ આ બંને સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. સ્વસ્થ જીવનની ચાવી આપણા આહારમાં રહેલી છે. સમજી-વિચારીને લેવામાં આવતો આહાર એ એક પ્રકારે શરીર માટે દવાનું કામ કરે છે.

હાઈન્યુટ્રીશન વેલ્યુ ધરાવતા ‘શ્રીઅન્ન’ પોષણનું પાવરહાઉસ છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, સોલ્યુબલ ફાઈબર અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે નબળા હાડકાની મજબૂતી અને કેલ્શિયમની પૂર્તિ માટે અતિ લાભકારી છે. બાજરીમાં બરછટ અનાજ ગ્લુટેનરહિત હોવાથી તેને ઘઉંની અવેજીમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં સ્વાસ્થ્યવર્ધક બેક્ટેરિયા, પ્રોટીન, રેસાઓ અને ‘નાયસીન’ નામના વિટામીનથી ભરપૂર હોય છે, જે ભોજન પચાવવામાં મદદરૂપ ૪૦૦ પ્રકારના એન્ઝાઈમ્સનું પૂરક છે, જે પાચનક્રિયામાં ખૂબ મદદરૂપ થાય છે. દા.ત. મેંદાની રોટલી, નાન ખાવાથી કબજિયાત થઈ શકે છે, પાચનક્રિયા મંદ પડે છે, પણ શ્રીઅન્નથી આ પ્રકારની કોઈ સમસ્યા રહેતી નથી. ભાત (ચોખા)ને આપણે દરરોજ આહારમાં લઈએ છીએ, પરંતુ ભાતમાં પ્રોટીન નથી હોતું, જ્યારે જુવાર, બાજરો, રાગી જેવા મિલેટ્સમાં પૂરતું પ્રોટીન રહેલું હોય છે. મિલેટ્સનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ (GI) સૌથી ઓછો ગ્લાયકેમિક ઈન્ડેક્સ (GI) એ કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતા ખોરાક માટે ૧ થી ૧૦૦ અંકની રેટિંગ સિસ્ટમ છે. તે દર્શાવે છે કે દરેક ખોરાક આપણા શરીરના સુગર લેવલને કેટલી ઝડપથી અસર કરે છે, જ્યારે તે ખોરાક ખાવામાં આવે છે. આ ઈન્ડેક્સ જેટલો ઓછો એટલું તે શરીર માટે શ્રેષ્ઠ કહેવાય. તબીબો અને ડાયેટિશ્યનો સ્વસ્થ અને ચુસ્તદુરસ્ત રહેવા તેમજ હેલ્ધી ડાયેટ માટે નીચો GI ધરાવતો ખોરાક ખાવાની સલાહ આપે છે. ગ્લુકોઝનો GI સૌથી વધુ ૧૦૦ છે. ઘઉં અને ચોખાનો GI ૭૫ છે. જ્યારે બાજરાનો ૫૪ અને જુવારનો ૬૨ અને રાગીનો ૫૪ થી ૬૮ સુધીનો GI સ્કોર હોય છે. એટલે જ ઓછો GI ધરાવતા મિલેટ્સ શ્રેષ્ઠ આહારનો પર્યાય છે એમ ડો. સૈની કહે છે. મિલેટ્સના સેવનથી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, જે હ્રદયરોગ, કાર્ડિયોવસ્ક્યુલર રિસ્ક નિવારે છે ડો.મનિષ સૈની ભારપૂર્વક કહે છે કે, ડાયાબિટીસથી બચવું હોય તો આહારમાં નિયમિતપણે મિલેટ્સને સ્થાન આપો. કારણ કે તેના સેવનથી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ સંતુલિત રહે છે. વળી, હાર્ટ પ્રોબ્લેમ્સ, કાર્ડિયોવસ્ક્યુલર રિસ્કથી બચવા માટે સૌથી જરૂરી છે બ્લડ સુગર કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું. શ્રી અન્ન આ બંને માટે ઉપયોગી છે. કેરોટીન આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ૧૦૦ ગ્રામ બાજરીમાં ૧૩૨ મિલિગ્રામ કેરોટીન મળે છે. જવ એટલે કે ઓટ્સમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાથી પાચન માટે ફાયદાકારક છે. તેઓ યોગનું મહત્વ સમજાવતા કહે છે કે, નિયમિતપણે યોગ તથા સ્ટ્રેચીંગ કરવાથી જોઈન્ટમાં થતી ઈજા ટાળી શકાય કાર્ટીલેજમાં સાયનોવિયલ સ્ત્રાવનું પોષણ મળી રહે છે, અને સ્નાયુઓમાં મજબુતાઈ આવે છે. જોઈન્ટ સ્ટિફનેસ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાંથી સુરતના એકમાત્ર ડો.મનિષ સૈનીને ઉત્તરપ્રદેશના વૃંદાવન ખાતે આમંત્રિત કરાયા હતા, જે રાજ્ય અને સુરત શહેર માટે ગૌરવપ્રદ બાબત છે. તેમણે હજારો દર્દીઓને ઘુંટણ, ખભા, થાપાના હાડકાની રિપ્લેસમેન્ટ સર્જરી કરીને હાડકાની મુશ્કેલીઓથી ઉગાર્યા છે. હાલ તેઓ મિલેટ્સના ફાયદાઓ અંગે લોકોને જાગૃત્ત પણ કરી રહ્યા છે.  પોષકતત્વોથી ભરપુર મિલેટ્સનો પરિચય બાજરી, જુવાર, રાગી, બન્ટી-બાવટો, કોદરા, સામો, મોરૈયો, કાંગ, ચેણો જેવા આઠ પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. હિન્દીમાં મોટા અનાજ (ज्वार, बाजरा, रागी, सावां, कंगनी, चीना, कोदो, कुटकी और कुट्टू) તરીકે ઓળખાય છે. ધાન્ય પાકો આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં શરીરના સંતુલિત વિકાસ માટે ખૂબ મદદરૂપ બને છે. મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે. આ ગરીબોનો ખોરાક નહી પણ આજે સુખી સંપન્ન લોકો પણ તેને અપનાવી રહ્યા છે. 

Related posts

Leave a Comment