હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. હોળી-ધુળેટીનાં તહેવાર દરમિયાન કુલ ૧૧,૨૬૨ સહેલાણીઓએ રાજકોટ પ્રાણીઉદ્યાનની મુલાકાત કરી હતી તેમ, મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને ગાર્ડન અને ઝું કમીટીના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
હોળી – ધુળેટીના દિવસો દરમિયાન મુલાકાતીઓનો વિશેષ ઘસારો:
જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મુલાકાતીઓ ખુબજ મોટી સંખ્યામાં પધારતા હોય છે. ખાસ કરીને હોળી અને ધુળેટીના દિવસોમાં મુલાકાતીઓની વિશષ ભીડ રહી હતી. ધુળેટીના દિવસે જાહેર રજા હોય બહોળી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં તા.૦૭/૦૩/૨૦૨૩ તથા તા.૦૮/૦૩/૨૦૨૩ એમ બે જ દિવસમાં કુલ ૧૧,૨૬૨ સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૩,૦૧,૧૯૫/-ની આવક થયેલ છે.
હાલ ઝૂ ખાતે જુદી જુદી ૬૦ પ્રજાતિઓનાં કુલ-૫૨૫ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.