હિન્દ ન્યુઝ, ભુજ
મકરસંક્રાતિ નજીક આવી રહી છે. અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી રાજયભરમાં કરૂણાઅભિયાનનો પ્રારંભ કરશે. જે અંતર્ગત આજરોજ કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છમાં કરૂણા અભિયાનને લઇને થનારી કામગીરી અને વ્યવસ્થાની સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છમાં તા.૧૦થી ૨૦ સુધી કરૂણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવશે. જેમાં જિલ્લામાં ઘવાયેલા પક્ષીઓની સારવાર દરેક તાલુકાકક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર વિવિધ માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુકત ટીમ બનાવી કોમ્બિંગ કરીને વેપારીઓને સમજ આપવામાં આવશે તેમજ કાયેદસરની કાર્યવાહી પણ કરાશે.
આ અંગે વધુ વિગતો આપતા કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તાલુકા વાઇઝ ૧૭ ઘાયલ પક્ષી કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવશે. ભુજમાં ચાર સ્થળે કલેકશન સેન્ટર રહેશે, જેમાં રામધુન, પશુ દવાખાનું – મુંદરા રોડ, ઇન્દ્રાબાઇ પાર્કની સામે, પશુ દવાખાનું – છઠ્ઠી બારી પાસે , ભચાઉમાં નોર્મલ રેન્જ, ભચાઉ-ગાંધીધામ હાઇવે, ગાંધીધામમાં ઝંડા ચોક, અંજારમાં બે સેન્ટર રહેશે જેમાં નોર્મલ રેન્જ કચેરી , વિસ્તરણ રેન્જ-સવાસર નાકા પાસે, મુંદરામાં નોર્મલ રેન્જ કચેરી, માંડવીમાં વન ચેતના કેન્દ્ર, અબડાસામાં નોર્મલ રેન્જ નલીયા, નખત્રાણામાં નોર્મલ રેન્જ કચેરી, લખપતમાં નોર્મલ રેન્જ દયાપર, આડેસરમાં નોર્મલ રેન્જ આડેસર, રાપરમાં વિસ્તરણ રેન્જ કચેરી ખાતે ઘાયલ પક્ષીનું કલેકશન કરાશે. આ વર્ષે ધોરડો-સફેદ રણ ખાતે પણ ૧ કલેકશન સેન્ટર શરૂ કરાશે.
કલેકશન સેન્ટર સાથે જિલ્લામાં ૧૨ સારવાર કેન્દ્ર શરૂ કરાશે. જેમાં ભુજ ખાતે સુપાશ્વ જૈન સંસ્થા સંચાલિત પશુ દવાખાનું, સરકારી પશુ દવાખાનું ભુજ તેમજ મુંદરા, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, લખપત,માંડવી, નલીયા, ભચાઉ, રાપર તથા ભીમાસરના સરકારી પશુ દવાખાનામાં સારવાર અપાશે. આ કલેકશન સેન્ટર પર વન વિભાગના સ્ટાફને ફરજ સોંપવામાં આવશે. ઉપરાંત નાયબ પશુપાલન નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ ૧૪ પશુ ચિકિત્સક અધિકારીઓ તથા ૧૨ બિન સરકારી સંસ્થાઓના ૨૧૫ જેટલા સ્વયંસેવક દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. આ અભિયાન અંગે લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે પ્રચાર માટે તંત્ર દ્વારા સાહિત્યનું વિતરણ, જાહેર સ્થળોએ બેનર લગાવવા તથા શાળા કક્ષાએ બાળકોને સમજ આપવામાં આવશે.
આ સાથે જ વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ ઉભો કરાશે. ભુજમાં સંપર્ક નંબર ૦૨૮૩૨-૨૨૭૬૫૭, ૦૨૮૩૨-૨૩૦૩૦૩, ૦૨૮૩૨-૨૯૬૯૧૨, લખપતમાં ૦૨૮૩૯-૨૩૩૩૦૪, માંડવીમાં ૦૨૮૩૪-૨૨૩૬૦૭, અંજારમાં ૦૨૮૩૬-૨૪૨૪૮૭ , ગાંધીધામમાં ૯૭૨૩૫૪૦૩૨૫ તથા મુંદરામાં ૯૮૯૮૩૩૪૯૪૯ રહેશે.
રાજયના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લીંક સ્વયં સંચાલીત વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦માં વોટસએપ મેસેજમાં “KARUNA” મેસેજથી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, માનવતાના કાર્યમાં વહીવટી તંત્ર સાથે કચ્છની ૧૨ સામાજિક સંસ્થા તથા યુવાનો પણ જોડાઇને ઘાયલ પક્ષીઓની સુશ્રુષા કરશે. જેમાં સુપાશ્ર્વ જૈન સંસ્થા ભુજ, રોટરી કલબ ભુજ, પેલીકન નેચર કલબ ભુજ, ફોરેસ્ટ ફાઉન્ડેશન તેરા, પરશુરામ સેના -નખત્રાણા, પર્યાવરણ જાગૃતી ગ્રુપ, અહિંસાધામ એન્કરવાલા, જીવદયા મંડળ રાપર પાંજરાપોળ, આડેસર જીવદયા પાંજરાપોળ, ભચાઉ જીવદયા મંડળ -કનકસુરી અહિંસાધામ, ગૌ રક્ષા સેવા સમિતિ ગળપાદર, જીવદયા મંડળ પાંજરાપોળ અંજાર ખાતે સેવાકાર્ય કરશે.