જામનગર જિલ્લામાં મતદાન મથકોની આસપાસના વિસ્તારો માટે જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર

     લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નું મતદાન જામનગર જિલ્લામાં તારીખ 07/05/2024 ના રોજ થનાર છે. આ ચૂંટણી દરમિયાન મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો, તેમના કાર્યકરો કે ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે, મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી સંબંધી પ્રતિકો દર્શાવી મતદારોનું ધ્યાન ખેંચવામાં ન આવે તે જોવું જરૂરી જણાય છે.

રાજકીય પક્ષો કે ઉમેદવારોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતું નિવારવા માટે અને મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં જાહેર શાંતિ, સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ તારીખ 07/05/2024 ના રોજ નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

(1) મતદાનના દિવસે નક્કી થયેલા મતદાન મથકના 200 મીટરના વિસ્તારમાં ચૂંટણી સંબંધિત બુથ ઉભા કરી શકાશે નહીં. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના કે ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી 200 મીટરની બહાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નિયમોને આધીન રહીને મતદારોને ઉમેદવારોના નામ, પ્રતિક કે પક્ષના નામ વગરની મતદાર કાપલીના વિતરણ માટે ટેબલ અને બે ખુરશી રાખી શકશે. આવા સ્થળે ઉમેદવાર 3*1.5 ફુટનું ફકત 1 બેનર રાખી શકાશે.

(2) છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી વ્યવસ્થા કરી શકાશે. જેને ચારેબાજુથી બંધ કરી શકાશે નહીં.

(3) મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના 200 મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રસાર કરી શકાશે નહીં. તેમજ ચૂંટણી સંબંધિત પત્રિકાઓનું વિતરણ કરી શકાશે નહીં કે ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહીં. મતદાન કરવા જતા મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહીં.

(4) મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરૂદ્ઘમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહીં, કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહીં.

(5) મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના 200 મિત્રના વિસ્તારમાં ચૂંટણી સંબંધિત હેતુ માટે મોબાઈલ ફોન કે કોડલેસ ફોન જેવા વિજાણુ યંત્રોનો ઉપયોગ થઈ શકશે નહીં.

(6) મતદાનના દિવસે ઉમેદવાર કે રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સંબંધિત વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગથી 100 મીટરની અંદરના વિસ્તારમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment