બોટાદ જિલ્લાના નાગરિકો લોકશાહીને સમર્પિત થઈને મતદાન કરે તે હેતુથી સમર્પણ બૂથની નવતર પહેલ કરવામાં આવી છે: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં તમામ નાગરિકો લોકશાહીના મહાપર્વ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના વડપણ હેઠળ ચૂંટણી તંત્રએ બોટાદ જિલ્લામાં સમર્પણ બૂથની નવતર પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત 106- ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 4 અને 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 2 મળીને કુલ 6 સમર્પણ બૂથ કાર્યરત કરાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહે સમર્પણ બૂથ વિશે લોકોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં આ વખતે એક અભિનવ અભિગમ અન્વયે આ પહેલ હાથ ધરવામાં આવી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારોમાં સમર્પણ બૂથ કાર્યરત કરાશે. નાગરિકો લોકશાહીને સમર્પિત થઈને મતદાન કરે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક સમર્પણ બૂથમાં નોડલ ઓફિસર્સની નિમણૂક કરવામાં આવી છે. જેઓ મતદાર વિભાગમાં જઈને લોકોને મહત્તમ મતદાન માટે અનુરોધ કરશે. ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી આ વિસ્તારના તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરતા પત્રો એનાયત કરવામાં આવી રહ્યા છે. સમર્પણ બૂથ ખાતે મતદાન કરવા આવનાર નાગરિકોનું પુષ્પ આપી અભિવાદન કરાશે તેમજ જિલ્લા કલેક્ટરની સહી કરેલો પ્રશસ્તિ પત્ર પણ એનાયત કરાશે. બોટાદવાસીઓને અવશ્ય મતદાન કરવાની પ્રેરણા મળી રહે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રકારનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

106-ગઢડા વિધાનસભા મતદાર વિસ્તારમાં 47-લીમડા,પ્રાથમિક શાળા,61-વીરડી, પ્રાથમિક શાળા, 86- રાજપાર(ભાલ) પ્રાથમિક શાળા તેમજ 62-મેઘવદર, ગ્રામસમાજ વાડી ખાતે સમર્પણ પોલીંગ સ્ટેશનો કાર્યરત થશે. જ્યારે 107- બોટાદ વિધાનસભા મતદાર વિસ્તારમાં 108- સજેલી, પ્રાથમિક શાળા અને 3- નાની વિરવા, પ્રાથમિક શાળા ખાતે સમર્પણ પોલીંગ બૂથનું નિર્માણ કરાશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment