હિન્દ ન્યુઝ, ભુજ
વિધાનસભાની ચૂંટણી સરળતાથી યોજાઇ શકે તથા તમામ નાગરિકો સક્રિયપણે તેમજ કોઇપણ અગવડ વગર મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ સજ્જ છે. ખાસ કરીને મુકબધિર અને પ્રજ્ઞાચક્ષુ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરાઇ છે. ત્યારે આજરોજ માધાપર અને આદિપુર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે શાળાઓમાં નિર્દેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
માધાપરની નવચેતન અંધજન મંડળ તથા આદિપુરની માતા લક્ષ્મી રોટરી બહેરા-મૂંગા બાળકોની શાળા ખાતે યોજાયેલા નિર્દેશન કેમ્પમાં પર્સન વીથ ડીસેબીલીટીના નોડલ અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી જે.એ.બારોટે બાળકોને મતદાન અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જો કોઇ દિવ્યાંગ મતદાર હોય તો કઇ રીતે મતદાન કરવું તેમજ મતદાન કરવું કેમ આવશ્યક છે તે અંગે સમજ આપી હતી. આ સાથે જ બાળકો તેમના વાલીઓને પણ મતદાન કરવાની પ્રોત્સાહિત કરે તે અંગે અપીલ કરી હતી. લોકશાહીને મજબૂત કરવા મતદાન અવશ્ય કરવું જોઇએ તેવો સંદેશ સમાજ સુરક્ષા અધિકારી નરેશ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિએ બાળકોને આપ્યો હતો. આ કાર્યક્રમના શાળા ટ્રસ્ટીગણ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા.