હિન્દ ન્યુઝ, લુણાવાડા
ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. મહીસાગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાની તૈયારીઓ થઈ રહી છે. ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસયાત્રા સાચા અર્થમાં જનસેવાનો સેવાયજ્ઞ બની રહે તે માટે ટીમ વર્કથી કામ કરવા માટે જિલ્લા કલેકટર ડો.મનિષકુમાર વિવિધ કચેરીઓને માર્ગદર્શન આપ્યું છે. મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીએ પણ ગ્રામ્ય વિસ્તારમાં વંદે ગુજરાત વિકાસયાત્રા દરમિયાન પંચાયત હેઠળની વિવિધ સેવાઓ તેમજ ગુડ ગવર્નસ હેઠળ જનસેવા ઉપરાંત આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રમાં વિશેષ સેવા મળે તેવું માર્ગદર્શન આપ્યું છે. સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી નિદર્શન તેમજ ફિલ્મ નિદર્શન તેમજ કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને વિવિધ લાભોનુ આયોજન કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત બે રથની ફાળવણી કરવામાં આવી છે. જે મહીસાગર જિલ્લા પંચાયતની સીટ વાઇઝ ક્લસ્ટરમાં રોજ બે ગામોમાં કલ્યાણકારી યોજનાઓની માહિતી આપશે. જિલ્લા કક્ષાએથી રથનું પ્રસ્થાન તા.૫ જુલાઇના રોજ કરવામાં આવશે. જુદા જુદા બે ગામોમાં રોજ સવારે અને સાંજે વિકાસ લક્ષી કાર્યક્રમ યોજાશે. તા.૧૯ જુલાઈ સુધી આ કાર્યક્રમો યોજાશે. સવારે પ્રભાત ફેરી વૃક્ષારોપણ તેમજ શાળા-આંગણવાડીઓમાં પણ નિબંધ સ્પર્ધા ઉપરાંત આરોગ્ય તપાસણી અને આરોગ્યની કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે માટે ઝુંબેશ હાથ ધરાશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, અધિક નિવાસી કલેક્ટર એ.આઇ.સુથાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર