રાજયના યુવાઓને સરકારી સેવામાં જોડવા રાજય સરકાર પ્રતિબધ્ધ : પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા

હિન્દ ન્યુઝ, ભાવનગર

પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સરકારી સેવામાટેની પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શી રીતે યોજાય એ માટે સધન આયોજન કરવામાં આવી રહ્યુ છે જેના ભાગરૂપે આજે રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) સંવર્ગની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી.

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યુ કે,આજે સવારે ૧૧-૦૦ કલાકે યોજાયેલી ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે કુલ 20941 ઊમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી 17577 (84%) ઉમેદવારોએ આજે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણ માં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. આ ઉમેદવારોની જવાબવહી (ઓ.એમ.આર.) શીટ નું સ્કેનિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે અને ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઈ શકે અને પ્રિન્ટ લઇ શકે તે રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે.

જ્યારે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર( પુરૂષ)ની 1866 જગ્યાઓ માટે કુલ 46180 ઉમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી આજે ૧૫-૦૦ કલાકે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં 40960 (89%) ઉમેદવારોએ આજે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. રાજકોટ કેન્દ્ર ખાતે એક ઉમેદવાર મોબાઇલ સાથે પકડાયેલ છે, જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ છે. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. ઉમેદવારોની જવાબવહી (ઓ.એમ.આર.) શીટ નું સ્કેનિંગ ચાલી રહેલ છે, જે પૂર્ણ થયા બાદ તરત જ આ ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઈ શકે તે માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment