જેતપુર ખાતે પ્રદુષણ માફિયા બેફામ, ચોખ્ખા પાણીના સેમ્પલ લઇ જશ લેતું જી.પી.સી.બી

હિન્દ ન્યૂઝ, જેતપુર,

જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ દેશભરમાં સુવિખ્યાત છે. તેમજ અહીં બનતી સાડીની કલકત્તા, મુંબઈ જેવાં મોટા શહેરોમાં ખુબ માંગ હોવાથી ખુબ મોટા પ્રમાણમાં સાડીનું ઉત્પાદન થાય છે. અહીં સાડી, ડ્રેસ, બેડશીટ વગેરેના ઉત્પાદન, પેકીંગ, વેચાણ વગેરેથી અહીં વસતા લોકો અને રોજગારી માટે પોતાનું વતન છોડી આવનાર પરપ્રાંતીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંદાજે બે-લાખ લોકો રોજીરોટી મેળવે છે. સાડી ઉદ્યોગના અમુક ઉદ્યોગપતિઓ વધુ નફો કમાવવાની લ્હાયમાં લોકોની જિંદગી સાથે રમવામાં ખચકાતા નથી. ઉધોગોમાંથી નીકળતું કેમિકેલયુક્ત પાણી આજુબાજુમાં આવેલ ખુલ્લા પ્લોટ, નદી, નાળામાં ખુલ્લું મૂકી નદી, નાળા, તેમજ ઉપજાઉ કે બિનઉપજાઉ જમીનને પ્રદુષિત કરવામાં કોઈ કસર છોડતા નથી. આ કેમીકલયુક્ત પાણીને કારણે પીવાના, સિંચાઈના પાણી વગેરે પ્રદુષિત થાય છે. પ્રદુષણ નિયંત્રણ કરવાની જેની જવાબદારી છે એવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ મલાઈ મેળવવા માટે પ્રદુષણ ઓકતા ઔદ્યોગિક એકમો સામે કડક પગલાં ભરવાને બદલે આંખ મીંચામણાં કરે છે. આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે જેતપુર તાલુકાના પેઢલા ગામના જગતના તાત એવા ખેડૂતો સાથે બન્યો છે. પેઢલા ગામના સીમતળમાં જેતપુર સોમનાથ હાઇવે નજીક આવેલા સાડીના ઔદ્યોગિક એકમો દ્વારા વોંકળામાં કેમિકેલયુક્ત પાણી છોડવામાં આવતા તેઓએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઓફિસે ઘસી આવ્યા હતા અને GPCB દ્વારા પ્રદુષણ ઓકતા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહિ આવે તો અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. આ અગાઉ પણ આ ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી વોંકળામાં છોડવામાં આવતા ખેડૂતો દ્વારા ૧૮ ઓગસ્ટના રોજ GPCB તેમજ ૨૨ ઓગસ્ટના રોજ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોશિએશન – જેતપુરને આવેદન પાઠવવામાં આવ્યુ હતું, પણ આ બાબતે પગલાં લેવામાં શેહ-શરમ નડતી હોય કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ૮ સપ્ટેમ્બરના રોજ મીડિયામાં અહેવાલ વહેતા થતા GPCB હરકતમાં આવ્યું હતું અને ૧૪ સપ્ટેમ્બરના રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પણ હાલ વરસાદની મોસમ હોય પાપીઓ ના પાપ સમાન કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે ધોવાઈ જતા ચોખ્ખા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ૧૪ સપ્ટેમ્બરના રોજ ચોખ્ખા પાણીના સેમ્પલ લેવાયા બાદ આજ ઉદ્યોગપતિઓ દ્વારા વોંકળામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. રોષે ભરાયેલ ખેડૂતોએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ સખત કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે.

અહેવાલ : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment