બોટાદમાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ સંપન્ન: કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બેંક ઓફ બરોડાની કામગીરી વિશે લોકોને માહિતગાર કરાયા હતા.
કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા, સુરેન્દ્રનગરના ક્ષેત્રીય પ્રબંધક ડો.નવીન કુમારે તમામ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે બેન્કિંગની સુવિધા તમામ લોકો સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે. તેમણે આવનારા સમયમાં અનેક પડકારો આવશે પરંતુ સાથે મળીને સામનો કરવાની વાત કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિવિધ યોજનાના લાભાર્થીઓ સુધી તબક્કાવાર શક્ય તેટલું ઝડપથી પહોંચીને તેમના સુધી લાભો પહોંચાડવાનો હેતુ છે.

કલેક્ટરએ બેંકના અધિકારીઓ પાસેથી વચન માંગ્યુ હતું કે એકપણ લાભાર્થી લાભથી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે. ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામમાં બેંક મિત્રો અને બેંકની સેવા લોકો સુધી પહોંચાડનારા જનસેવકોને સારી કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. બોટાદ નગરપાલિકાના નાનજી દેશમુખ આયોજિત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બેંક ઓફ બરોડા, રાજકોટ ઝોનના મહાપ્રબંધક વિજયકુમાર બસેઠા, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, બેંક ઓફ બરોડા-બોટાદના અગ્રણી જિલ્લા પ્રબંધક મિતેષભાઈ ગામીત, બેંક ઓફ બરોડાના ડીજીએમ યાદવ એસ.ઠાકોર, પી.પી.તડવી સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment