કેન્દ્રિય અને રાજ્ય સરકારની અનેકવિધ યોજના અમલી છે જેનો મહત્તમ લાભ લેવા કેન્દ્રિય મંત્રીશ્રી મહેન્દ્રભાઇ મુંજપરાની હિમાયત

હિન્દ ન્યુઝ, બોટાદ

મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રિય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને ગઇકાલે રાત્રે બરવાળાના જૂના નાવડા ગામની પ્રાથમિક શાળા ખાતે આદર્શ ગ્રામ પંચાયત અંતર્ગત રાત્રિ ગ્રામસભા યોજીને કેન્દ્રિય અને રાજ્ય સરકારની વિવિધ જનલક્યાણલક્ષી યોજનાઓના લાભો જરૂરીયાતમંદ લાભાર્થીઓને ત્વરીત મળી રહે તે દિશાના પ્રયાસો હાથ ધરવા મંત્રી મુંજપરાએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

          મંત્રી મુંજપરાએ ગ્રામવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકો માટે પ્રધાનમંત્રીએ P.M.CARE યોજના દ્વારા બાળકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂા.૫ લાખના હેલ્થ વીમાનું સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યું છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનાથ બાળકોને દર મહિને રૂા.૪ હજારની સહાય તેમના બેંક ખાતામાં સીધી જ ચૂકવવામાં આવી રહી છે. તેની સાથોસાથ ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોને કેન્દ્રીય વિદ્યાલય અથવા આર.ટી.ઈ. અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ, ઉચ્ચ શિક્ષણ માટે લોન સહાય પણ પીએમ કેર હેઠળ આપવામાં આવશે.૧૮ થી ૨૩ વર્ષની ઉમર સુધી આવા બાળકોને દર મહિને સ્ટાઈપેન્ડ તથા ૨૩ વર્ષ પૂર્ણ થયે રૂા.૧૦ લાખ મળશે.

         મંત્રી મુંજપરાએ વધુમાં ઉમેર્યું હતું કે, નાવડા ગામમાં હાલ પાંચ જેટલી આંગણવાડી છે જે પૈકી બે આંગણવાડી જર્જરીત હાલતમાં છે તે આંગણવાડીને અદ્યતન સુવિધા સાથે નવી બનાવવામાં આવશે. નાવડા ગામમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવી સ્પર્ધાત્મક પરીક્ષામાં યુવાનો સારૂં પરિણામ મેળવી શકે તે માટે આગામી સમયમાં વ્યવસ્થા ઉભી કરાશે તેવો દ્રઢ વિશ્વાસ મંત્રીશ્રી મુંજપરાએ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ કેન્દ્રિય અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી અનેકવિધ યોજના અમલી છે તેનો લાભ લેવા પણ મંત્રી મુંજપરાએ હિમાયત કરી હતી.

      મંત્રી મુંજપરાએ વધુમાં જણાવ્યું હતું કે, આયોજન અને ATVT ના ગત વર્ષ-૨૦૨૧-૨૨ ના આયોજનમાંથી રૂા. ૩૦ લાખના કામો પૂર્ણ કરવામાં આવ્યાં હોવાની સાથે જેમાં ચાલુ વર્ષની વિકાસશીલ યોજનામાંથી રૂા. ૨૫ લાખના નવા કામો લેવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ નાવડાના સરપંચ શ્રીમતી દવલબેનને ચાલુ વર્ષના આયોજન અને ATVT ના રૂા.૪.૫ લાખના વિવિધ કામોનો વર્ડ ઓર્ડર પણ એનાયત કર્યો હતો. 

          જિલ્લા કલેક્ટર બી.એ.શાહે સરકારની અનેકવિધ યોજનાઓ અમલમાં છે જેના લાભો પ્રજાજનોને સરળતાથી મળી રહ્યાં હોવાની સાથે સાંસદ આદર્શ ગ્રામ યોજનાની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

              આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, જિલ્લાના અગ્રણી કાળુભાઇ જાખડા, નાવડાના સરપંચ શ્રીમતી દવલબેન ચૌહાણ સહિત અધિકારી પદાધિકારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

                                     

Related posts

Leave a Comment