હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતના ૧૪માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજથી બે દિવસીય દંડકારણ્યની પાવન ધરા ડાંગ જિલ્લામાં પરિવાર સાથે પધાર્યા છે ત્યારે ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે શનિવારે રાત્રે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન પાવરી અને ડાંગી નૃત્યનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આહવા સર્કિટ હાઉસના પટાંગણમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આહવા તાલુકાના ચીંચલી ગામના રાધિકા આદિવાસી લોક નૃત્ય કલા મંડળના ૧૪ કલાકારોએ પરંપરાગત પાવરી નૃત્ય અને ધવલીદોડ ગામના પ્રગતિ યુવક મંડળના ૨૦ કલાકારોએ આદિવાસી વારસાને જીવંત રાખતું ડાંગી નૃત્ય જુસ્સા અને જોશ સાથે રજૂ કર્યું હતું. ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન આ બંને નૃત્યને નિહાળી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા અને તેમના પરિવારજનો મંત્રમુગ્ધ બન્યા હતા. તેઓએ આ કલાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. કલાકારોના ઉત્સાહને વધારવા માટે મહાનુભાવો દ્વારા કલાકારોને રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને મંડળના કલાકારો છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ભારતમાં ડાંગી અને પાવરી નૃત્ય દ્વારા આદિવાસી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
