પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ડાંગ જિલ્લાનો પ્રવાસ : બીજો દિવસ

હિન્દ ન્યુઝ, ડાંગ 

“પ્રાકૃતિક જીવન ખરા અર્થમાં સ્વર્ગ સમાન છે. તેની નજીક રહેવાથી જીવન સ્વસ્થ, શાંત અને સૌભાગ્યશાળી રહે છે. શહેરમાં લોકો બીમારી અને ચિંતાથી પીડાઈ છે, ત્યારે ડાંગ જિલ્લાના આવા વાતાવરણમાં સાચું સુખ અને આનંદ મળે છે. પ્રકૃતિ આપણને અનુશાસન શીખવે છે. ભગવાન રામે પણ પ્રકૃતિના સાંનિધ્યમાં રહેવાનું પસંદ કર્યું હતું. રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં આવવાનો સંયોગ ન રચાયો પણ આજે હનુમાન દાદાની કૃપાથી અહીં આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે.” ઉપરોક્ત શબ્દો સંપૂર્ણ આદિવાસી અને દંડકારણ્યની પાવન ધરા પર ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ “ડાંગ પ્રયાગ હનુમાન યાગ”ના ૧૭૫માં હનુમાન મંદિરના લોકાર્પણ સમારોહ પ્રસંગે ઇસદર ગામે પધારેલા ભારતના ૧૪માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ ઉચ્ચાર્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિએ શુભાષિશ પાઠવતા વધુમાં જણાવ્યું કે, આજે ગામમાં હર્ષોલ્લાસ સાથે હનુમાન દાદાની ભક્તિ જોઈ મનને પરમ શાંતિની થઈ છે. આ રાષ્ટ્રભક્તિનું પરમ ઉદાહરણ છે. ગતરોજથી અનેક મંદિરોમાં જવાનું સૌભાગ્ય મળ્યું છે ત્યારે મને મારુ બાળપણ યાદ આવી ગયું હતું. મારા ગામમાં પણ હનુમાનજી દાદાનું મંદિર હતું જેમાં હું નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરતો હતો. હનુમાન ચાલીસાના પઠન અંગે સ્પર્ધા પણ થતી જેમાં હું પ્રથમ નંબરે આવતો હતો. હનુમાન દાદા સંકટ મોચન છે, સમર્પણ ભાવથી નિયમિત તેમની પૂજા કરવાથી કૃપા થાય છે, જેના પ્રતાપે હું રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યો હતો. આપણા હનુમાન દાદા માત્ર ભારત પૂરતા સીમિત નથી પરંતુ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી બરાક ઓબામા પણ અતૂટ શ્રદ્ધા ધરાવે છે. હનુમાનજી મહારાજ સમગ્ર વિશ્વના અધિષ્ઠાતા દેવ છે. હનુમાનજી દાદાના સાદગી, સરળતા અને ભોળપણના ગુણ આજે પણ ડાંગની પ્રજામાં જોવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉલ્લેખ કરતા પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, મારા પિતાજી અલગ અલગ તીર્થ સ્થળોએ જતા ત્યાંથી પથ્થર લઈ આવતા અને તેનું મંદિર બનાવી પૂજા કરતા હતા. આ મંદિરની વડાપ્રધાનએ પણ મુલાકાત લઈ દર્શન કર્યા હતા. દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકી પોતાનું દ્રષ્ટાંત આપતા વધુમાં તેમણે જણાવ્યું કે, મારા ગામમાં દીકરીઓને શિક્ષણ મળે એ માટે મારા સાંસદ તરીકેના કાર્યકાળમાં બે કન્યા વિદ્યાલયો બનાવ્યા હતા. તેની પણ મોદીજીએ મુલાકાત લીધી હતી.

રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇના સેવા કાર્યોને બિરદાવતા પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ગોવિંદકાકા એ માત્ર ડાંગ જિલ્લામાં જ ૩૧૧ મંદિર બનાવવાનો સંકલ્પ લઇ શ્રીગણેશ કર્યા છે. પરંતુ તેમના આ સેવાભાવને લાભ સમગ્ર ગુજરાત અને દેશના લોકોને મળે તે માટે દેશભરમાં મંદિરો બનાવવાના ભગીરથ કાર્યમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવું છું.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે શબરી ઘરે રામ પધાર્યાનું ભજનની પંક્તિ ગાઈ ડાંગ જિલ્લામાં દેશના ૧૪માં રાષ્ટ્રપતિ પધાર્યા તે અંગેનો અહોભાવ પ્રગટ કરી મંદિરોના નિર્માણથી ગામોમાં એકતા અને સંગઠનની તાકત વધી રહી હોવાની સાથે ગામો વ્યસનમુક્ત બની રહ્યા હોવાની ખુશી વ્યક્ત કરી હતી.

રાજ્યસભાના સાંસદ અને ૩૧૧ મંદિરના સંકલ્પકર્તા શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ જણાવ્યું કે, આજે ડાંગની ધરતી પર દેશના ૧૪માં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી પધાર્યા છે તે ભગવાનની કૃપાથી શક્ય બન્યું છે. આ તમારા તપનું પરિણામ છે. શ્રી પી.પી.સ્વામી ડાંગમાં આવ્યા ન હોત તો આ ભગીરથ કાર્ય શક્ય બન્યું ના હોત. આ મંદિરના નિર્માણ માટે સહયોગી દાતાઓ મળી કુલ ૩૦૦ પરિવાર ડાંગ જિલ્લાના વિકાસ માટે તમારી સાથે જોડાયા છે.

ડાંગ જિલ્લામાં ૩૧૧ હનુમાન મંદિરના પ્રેરણામૂર્તિ શ્રી પી.પી.સ્વામીજીએ જણાવ્યું કે, ગામોમાં મંદિરો બનવાથી માત્ર પૂજાપાઠ જ નહીં, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય અને શિક્ષણ સહિતના કાર્યો તેમજ ગામના સામાજિક કાર્યો પણ થઈ રહ્યા છે. મંદિરો બનવાથી ગામડામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. મંદિરો દ્વારા ગામોમાં ભક્તિ અને સંસ્કારનું સંવર્ધન થઈ રહ્યું છે. આજે દેશના ૧૪માં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીના હસ્તે ૧૭૫ માં મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. ડાંગ જિલ્લામાં કુલ ૩૧૧ ગામો છે, જેમાં ૩૪૫ મંદિરોનું નિર્માણ થશે. જેનાથી ગામમાં સંપ અને એકતા વધશે. ધર્મનો ભાવ વધુ સુદૃઢ બનશે.

સમારોહના પ્રમુખ અશ્વિન દેસાઈ, મુખ્ય મહેમાન ગૌતમ શાહ, અતિથિ વિશેષ રાકેશ દુધાતે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિ તેમના પરિવાર સાથે ડાંગના મહેમાન બન્યા છે ત્યારે બીજા દિવસે રવિવારે વધુ બે હનુમાન મંદિર મળી કુલ ૮ મંદિરનો ૨૫ મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આહવા તાલુકાના ઇસદર ગામમાં ધામધૂમથી યોજાયો હતો. સતત બે દિવસથી ડાંગ જિલ્લાના ગામે ગામ હનુમાનજી મંદિરના લોકાર્પણ પ્રસંગે આરતી અને હનુમાનજી ચાલીસાનું પઠન થતા સમગ્ર ડાંગ જિલ્લો જયશ્રી રામ અને હનુમાન દાદાની જયજયકાર સાથે ગુંજી ઉઠ્યો હતો.

બીજા દિવસે સવારે પૂર્વ રાષ્ટ્રપતિના વરદ હસ્તે અને ૩૧૧ મંદિરના સંકલ્પકર્તા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તેમજ પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક શ્રી પી.પી.સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતિમાં ટોકરદહાડ અને ઇસદર ગામે હનુમાન મંદિરનું સંપૂર્ણ ભક્તિભાવ અને આદિવાસી સંસ્કૃતિના દર્શન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળા પૂર્વ રાષ્ટ્રપતિશ્રીના પત્ની અને પુત્રીએ માથા પર આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન ધાન્ય (ગવરાય)ની ટોકરી માથા પર ચડાવી ધન્યતા અનુભવી હતી. મંદિર માટે જમીન દાનમાં આપનાર ગામના ભૂમિદાતાઓનું પૂર્વ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ત્રણ કેટેગરી મારુતિ મંદિર, મહાબલી મંદિર અને બાહુબલી મંદિરના નિર્માણ માટે સહયોગી દાતાશ્રીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ૩૧૧ મંદિરના સંકલ્પથી સિદ્ધિ સુધીની સફરની ડોક્યુમેન્ટરી પણ પ્રદર્શિત કરાઈ હતી. તો મહાનુભાવો સમક્ષ ડાંગના સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ હનુમાન યાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં એકતા, આદિવાસી સંસ્કૃતિનું સંવર્ધન, આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને ભક્તિભાવનો અનોખો માહોલ સર્જાયો હતો. જેના દ્વારા નવી પેઢી પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાઈ હતી.

Related posts

Leave a Comment