હિન્દ ન્યુઝ, ગાંધીનગર
સમગ્ર રાજ્યમાં ઘરેલું LPG સિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા CGD (શહેરી ગેસ વિતરણ) કંપનીઓ તથા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ સાથે ગેસ પુરવઠાની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોને ઘરેલું LPGનો પુરવઠો કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર નિયમિત મળી રહે તે રીતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવાયું. ઘરેલું વપરાશ માટેના LPG ઉપરાંત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, હોસ્ટેલ, સામુદાયિક-સામાજિક કલ્યાણકારી સંસ્થાને પૂરા પાડવામાં આવતા LPG તેમજ ઘરેલું PNG, રેસ્ટોરન્ટને પૂરો પાડવામાં આવતો PNG અને વાહનોના ઉપયોગ માટેના CNGનો પૂરતો પુરવઠો નાગરિકોને મળી રહે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ છે.
સરકાર દ્વારા તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષકને LPG વિતરણ એજન્સીઓ સાથે રહીને વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવેલ છે.
